(Photo by Elsa/Getty Images)

વિશ્વની ટોચની મહિલા ટેનિસ ખેલાડી એશ્લી બાર્ટીનો યુએસ ઓપનના ત્રીજા રાઉન્ડમાં આશ્ચર્યજનક રીતે પરાજય થયો હતો. અમેરિકાની ૪૩માં ક્રમે રહેલી શેલ્બી રોજર્સે ૬-૨, ૧-૬, ૭-૬ (૭-૫)થી બાર્ટીને હરાવીને પ્રિ-ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો હતો. તેણે બે કલાક ૮ મિનિટમાં બાર્ટીને હરાવી દીધી હતી. પુરૂષોમાં સાતમા ક્રમના કેનેડાના શાપોવાલોવને ૪૬માં ક્રમના સાઉથ આફ્રિકાનો લોઈડ હેરિસ સીધા સેટ્સમાં ૬-૪, ૬-૪, ૬-૪થી હરાવી બે કલાક ૧૨ મિનિટના સંઘર્ષ પછી પ્રિક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ્યો હતો.

ફ્લશિંગ મેડોઝ ખાતે રમાઈ રહેલી સિઝનની છેલ્લી ગ્રાન્ડ સ્લેમમાં વર્લ્ડ નંબર વન, સર્બિયન સ્ટાર યોકોવિચે જાપાનના નિશિકોરીને ચાર સેટના મુકાબલામાં ૬-૭ (૪-૭), ૬-૩, ૬-૩, ૬-૨થી હરાવી કેલેન્ડર સ્લેમની પોતાની આશા જીવંત રાખી પ્રિ-ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો હતો.

બેરેટિનીએ પણ બેલારુસના ઈવાશ્કા સામે ૬-૭ (૫-૭), ૬-૨, ૬-૪, ૨-૬, ૬-૩થી સંઘર્ષમય જંગમાં વિજય નોંધાવ્યો હતો. મહિલા સિંગલ્સમાં ગ્રીસની સાક્કારીએ ચેક રીપબ્લિકની ક્વિટોવાને ૬-૪, ૬-૩થી હરાવી એક વધુ અપસેટ સર્જ્યો હતો.