ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ઓવલમાં રમાયેલી ચોથી ટેસ્ટના સોમવારે પાંચમા દિવસે ભારતની ટીમે 157 રને ઈંગ્લેન્ડ સામે શાનદાર વિજય મેળવ્યો હતો. પ્રથમ ઈનિંગમાં 191માં ઓલઆઉટ થનાર ટીમ ઈન્ડિયાએ જોરદાર કમબેક કરતા ઇંગ્લેન્ડને જોરદાર જવાબ આપ્યો હતો. ભારતીય ટીમે 50 વર્ષ બાદ ઓવલ મેદાનમાં ઈંગ્લેન્ડ સામે વિજય મેળવતા સીરિઝમાં 2-1ની સરસાઈ મેળવી લીધી છે. ઈંગ્લેન્ડની ટીમ 368ના ટાર્ગેટને પાર કરવામાં વામણી પુરવાર થઈ હતી અને 210 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. બીજી ઈનિંગમાં ભારતીય ફાસ્ટ બોલર્સ સામે ઈંગ્લીશ બેટ્સમેનોએ ઘૂંટણીયા ટેકવી દીધા હતા. ઉમેશ યાદવે મેચમાં સૌથી વધુ છ વિકેટ ઝડપી હતી.
ભારતના આ ટેસ્ટ વિજયનો અસલી હીરો શાર્દુલ ઠાકુર રહ્યો હતો. શાર્દુલે બન્ને ઈનિંગમાં અડધી સદી ફટકારી હતી અને ત્રણ મહત્વની વિકેટ પણ ઝડપી હતી. બીજી ઈનિંગમાં ભારતે મક્કમ પ્રતિકાર કર્યો હતો અને ઓપનર રોહતિ શર્માની સદીની મદદથી મજબૂત લક્ષ્યાંક આપી શક્યા હતા. રોહિત શર્માને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કર્યો હતો.
ઓવલ ટેસ્ટના પાંચમા દિવસે ઈંગ્લેન્ડના ઓપનિંગ બેટ્સમેન રોરી બર્ન્સ અને હસીબ હમીદે ઈનિંગ આગળ ધપાવી હતી અને 100 રનની ભાગીદારી કરી હતી. બર્ન્સે અડધી સદી પણ ફટકારી હતી. ત્યારબાદ શાર્દુલ ઠાકુરને ઓપનિંગ જોડી તોડવામાં સફળતા મળી હતી. વન-ડાઉન બેટિંગમાં આવેલા ડેવિડ મલાન (5) રન કરી આઉટ થઈ ગયો હતો. બીજા સેશનમાં ઈંગ્લેન્ડના કેપ્ટન જો રૂટે હસીબ સાથે સ્કોરબોર્ડ આગળ ધપાવ્યો હતો. સ્પિનર રવિન્દ્ર જાડેજાએ હસીબ હમીદ (63)ની વિકેટ ઝડપી હતી. ત્યારબાદ બુમરાહે ઓલી પોપ (2)ને પેવેલિયન પરત મોકલ્યો હતો. બુમરાહે આ સાથે જ ટેસ્ટ ક્રિકેટમાં તેની 100 વિકેટ પૂર્ણ કરી હતી. બુમરાહનો તરખાટ યથાવત રહ્યો હતો અને તેણે જોની બેરસ્ટોને ખાતું ખોલ્યા વગર જ પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. બીજા છેડેથી રવિન્દ્ર જાડેજાએ બીજી જ ઓવરમાં મોઈલ અલીને આઉટ કર્યો હતો.
રૂટ અને ક્રિસ વોક્સે ઈંગ્લેન્ડની હારને ટાળવા પ્રયાસ કર્યો હતો પરંતુ તેઓ નિષ્ફળ ગયા હતા. શાર્દુલ ઠાકુર ફરી ત્રાટક્યો હતો અને તેણે કેપ્ટન જો રૂટને (36)ને બોલ્ડ કર્યો હતો. આ સાથે જ ભારતીય ટીમની જીત નિશ્ચિત થઈ હતી. ટી બ્રેક અગાઉ ક્રિસ વોક્સ (18) પણ ઉમેશ યાદવનો શિકાર બન્યો હતો. ઉમેશે પૂંછડિયા બેટ્સમેન જેમ્સ એન્ડરસનને આઉટ કરીને ઈંગ્લેન્ડ ટીમના ઘમંડને ચકનાચૂર કરી દીધો હતો. ઉમેશ યાદવે બીજા દાવમાં ત્રણ વિકેટ ઝડપી હતી. જ્યારે બુમરાહ, જાડેજા અને શાર્દુલે બે-બે વિકેટ લીધી હતી.
ઓવલ ટેસ્ટમાં ભારતીય ટીમ એક તબક્કે હારની અણી ઉપર આવી ગઈ હતી પરંતુ ટીમ વર્ક અને યુવા ખેલાડીઓના જુસ્સાને પગલે ભારતે મજબૂત કમબેક કરીને ઓવલ ટેસ્ટ પોતાના નામે કરી લીધી હતી.