ભારત અને ઇટલી ગ્રીન હાઇડ્રોજનના વિકાસની શક્યતા ચકાસવા, રિન્યુએબલ એનર્જી કોરિડોર્સની સ્થાપના કરવા તથા નેચરલ ગેસ ક્ષેત્રમાં સંયુક્ત પ્રોજેક્ટ્સ હાથ ધરવા માટે સંમત થયા હતા. બંને દેશોએ એનર્જી ક્ષેત્રમાં પરિવર્તનમાં તેમની ભાગીદારીને મજબૂત કરવાની પ્રતિબદ્ધતા આપી હતી.
રોમમાં જી-20 સમીટ દરમિયાન ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઇટલીના વડાપ્રધાન મારિયો ડ્રાગી વચ્ચેની મુલાકાત બાદ બંને દેશોના સંયુક્ત નિવેદનમાં જણાવાયું હતું કે બંને દેશોના વડાપ્રધાન એનર્જી ટ્રાન્ઝિશન સંબંધિત ક્ષેત્રોમાં ભારત અને ઇટલીની કંપનીઓના સંયુક્ત રોકાણને પ્રોત્સાહન આપવા સંમત થયા હતા. ભારતમાં ગ્રીન હાઇડ્રોજન અને સંબંધિત ટેકનોલોજીના વિકાસ માટે સમર્થન આપવાની ચર્ચાવિચારણા કરવા તથા ભારતમાં મોટા કદના ગ્રીન કોરિડોર પ્રોજેક્ટ્સની સ્થાપના માટે સાથે મળીને કામ કરવા બંને દેશો સંમત થયા હતા.