પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનરજી (PTI Photo)

કોંગ્રેસ પર દેખિતી રીતે પ્રહાર કરતાં તૃણમુલ કોંગ્રેસના સુપ્રીમો મમતા બેનરજીએ જણાવ્યું હતું કે કોંગ્રેસ રાજકારણ અંગે ગંભીર ન હોવાથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી વધુ શક્તિશાળી બનશે. કોંગ્રેસ કોઇ નિર્ણય ન કરી રહી હોવાથી તેના પરિણામો દેશ ભોગવી રહ્યો છે. ભાજપના વડપણ હેઠળની કેન્દ્ર સરકારને નિશાન બનાવીને તેમણે જણાવ્યું હતું કે તેઓ હવે દિલ્હીની દાદાગીરી સહન કરશે નહીં. આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલને પણ ઝપટમાં લેતાં મમતાએ જણાવ્યું હતું કે દિલ્હીમાં તેઓ અન્ના હઝારેને કારણે જીત્યા છે.

લોકશાહીની ચૂંટણીમાં તેઓ વડાપ્રધાન પદ માટેની સ્પર્ધામાં હશે કે નહીં તેવા પ્રશ્નના જવાબમાં મમતાએ જણાવ્યું હતું કે તેઓ વીઆઇપી નહીં, પરંતુ  એલઆઇપી-લેસ ઇમ્પોર્ટન્ટ પર્સન અને સ્ટ્રીટ ફાઇટર બનવાનું પસંદ કરશે. ગોવામાં આગામી વર્ષના પ્રારંભમાં વિધાનસભાની ચૂંટણી પહેલા ત્રણ દિવસના પ્રવાસે આવેલા મમતા છેલ્લાં દિવસે પત્રકારો સાથે વાતચીત કરી હતી. ગુરુવારે ગોવાની મુલાકાતે આવેલા મમતાએ પક્ષના સ્થાનિક નેતાઓ અને બીજા રાજકીય નેતાઓ સાથે બેઠકો કરી હતી. ટીએમસીએ જાહેરાત કરી હતી કે તેઓ રાજ્યમાં તમામ 40 બેઠકો પર ચૂંટણી લડશે. ગોવામાં હાલ ભાજપનું શાસન છે.

કોંગ્રેસ અંગે તેમણે જણાવ્યું હતું કે તેઓ રાજકારણને ગંભીરતાથી લેતા નથી, તેથી હાલમાં હું કંઇ કહી શકું નહીં. કોંગ્રેસને કારણે મોદીજી વધુ શક્તિશાળી બનશે. જો કોઇ નિર્ણય ન કરે તો દેશે તેની કિંમત શા માટે ચુકવવી જોઇએ. કોંગ્રેસના ભૂતકાળમાં તક મળી હતી. કોંગ્રેસ સામે લડવાની જગ્યાએ તેઓ મારા રાજ્યમાં મારી સામે લડ્યા હતા.

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી તેમના પક્ષના ચૂંટણી પ્રચારનો પ્રારંભ કરવા ગોવા આવ્યા તે દિવસેએ મમતાએ આ ટીકાઓનો વરસાદ કર્યો હતો.

ગોવા ચૂંટણીમાં ટીએમસી માટે લોબિંગ કરી રહેલા ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે પણ તાજેતરમાં જણાવ્યું હતું કે ભાજપ ચૂંટણીમાં જીતે કે હારે પણ તે આગામી ઘણા વર્ષો સુધી ભારતના રાજકારણમાં વર્ચસ્વ જાળવી રાખશે. દેશની પ્રજા ભાજપને સત્તા પરથી ઉખાડી ફેંકશે તેવું માનતા રાહુલ ગાંધી ભ્રમમાં છે.

પ્રશાંત કિશોરના આ અંગે અંગે પૂછવામાં આવતા મમતાએ જણાવ્યું હતું કે હું માનું છું કે તેઓ એવું કહેવા માગતા હતા કે જો આપણે ભાજપને પરાજય આપશે હશે તો આપણે કોંગ્રેસની પદ્ધતિએ આવું કરી શકીશું નહીં. આપણે ભાજપને મજબૂત લડત આપવી પડશે.

મમતાએ જણાવ્યું હતું કે હું માનું છું કે પ્રાદેશિક પક્ષો મજબૂત હોવા જોઇએ. અમે માનીએ છીએ કે સંઘીય માળખુ મજબૂત રહે. અમે રાજ્યોને મજબૂત બનાવવા જોઇએ. જો રાજ્યો મજબૂત હશે તો કેન્દ્ર મજબૂત થશે.અમે દિલ્હીની દાદાગીરી ઇચ્છતાં નથી.