મુકેશ અંબાણીના વડપણ હેઠળની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરધારકોએ કંપનીના બોર્ડમાં સાઉદી અરામ્કોના ચેરમેન યાસીર અલ-રૂમાયાનની નિમણૂકને મંજૂરી આપી છે. જોકે બોર્ડમાં તેમની નિમણૂકની દરખાસ્ત સામે 2 ટકા મત પણ પડ્યાં છે.
રિલાયન્સે આ નિમણૂક પર શેરધારકોના મતોના પરિણામો જાહેર કરતા નિયમનકારી ફાઇલિંગમાં જણાવ્યું હતું કે ત્રણ વર્ષ માટે અલ-રૂમાયાનની નિમણૂક કરવાના પ્રસ્તાવની તરફેણમાં 98.03 ટકા મત પડ્યા હતા. રિલાયન્સના શેરહોલ્ડર કેલિફોર્નિયા સ્ટેટ ટીચર્સ રિટાયરમેન્ટ સિસ્ટમ (CalSTRS)એ ગત મહિને અમેરિકન પ્રોક્સી એડવાઈઝરી રિસર્ચ ફર્મ ગ્લાસ લેવિસની ભલામણના આધારે આ નિમણૂક વિરૂદ્ધ મત આપવાનો નિર્ણય કર્યો હતો. CalSTRSએ સાઉદી અરેબિયાના પબ્લિક ઇન્વેસ્ટમેન્ટ ફંડ (PIF)ના ગવર્નર તરીકે અલ-રમૈયાંની નિમણૂક અને અરામ્કોમાં તેમના પદને કારણે આ દરખાસ્તનો વિરોધ કરવાનું નક્કી કર્યું હતુ.
PIFએ રિલાયન્સ રિટેલમાં 9,555 કરોડ રૂપિયા અને RILના Jio પ્લેટફોર્મમાં 11,367 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. આ સિવાય અરામ્કો રિલાયન્સના ઓઇલ-ટુ-કેમિકલ બિઝનેસમાં 20 ટકા હિસ્સો ખરીદવા માટે વાતચીત કરી રહી છે. જોકે રિલાયન્સે હિતોના સંઘર્ષના આરોપોને ફગાવી દીધા હતા અને કહ્યું હતું કે યાસીર અલ રૂમાયાનની નિમણૂકનો સાઉદી અરામ્કો સાથેના વ્યવહાર સાથે કોઈ સંબંધ નથી. બીજી બાજુ ભારતીય કાયદા હેઠળ, કોઈપણ વ્યક્તિ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કોઈપણ કંપની સાથે કારોબારી કે ઈક્વિટી ભાગીદારીમાં હોય તો તે કંપનીમાં સ્વતંત્ર ડિરેક્ટર કે અન્ય કોઈ ભૂમિકા ભજવી શકે નહીં.