
અમેરિકાના વિસ્કોન્સીન રાજ્યના વાકીશામાં રવિવારે ક્રિસમસ પરેડમાં સામેલ લોકોને એક હાઇસ્પીડ એસયુવીએ હડફેડમાં લેતા પાંચના મોત થયા હતા અને 40 વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા હતા. આ ઘટનાથી અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ દુર્ઘટનામાં પરેડમાં ભાગ લેનારા યુવા ડાન્સરો પણ ભોગ બન્યા હતા. આ ત્રાસવાદી કૃત્ય હતું કે નહીં તે અંગે કોઇ જાણકારી મળી નથી
વાકીશા પોલીસ ડિપાર્ટમેન્ટે ફેસબૂક પેજ પર જણાવ્યું હતું કે હાલમાં અમે પાંચના મોતની પુષ્ટી કરીએ છીએ. આ ઘટનામાં 40 લોકો ઘાયલ થયા છે. જોકે અમે વધારાની માહિતી મેળવી રહ્યાં હોવાથી આ આંકડામાં ફેરફાર થઈ શકે છે.
વાકીશા પોલીસ વડા ડેન થોમ્પસને જણાવ્યું હતું કે શંકાસ્પદ વ્યક્તિને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે અને શહેરમાં બનેલી ઘટના બાદ શંકાસ્પદ વાહનને મિલવૌકીથી લગભગ 20 માઇલ (32 કિમી) પશ્ચિમમાં જપ્ત કરવામાં આવ્યું છે.
સત્તાવાળાએ જણાવ્યું હતું કે તેમણે 11 વયસ્કો અને 12 બાળકોને આ વિસ્તારની 6 હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા હતા.
ઓનલાઈન પોસ્ટ કરવામાં આવેલ એક વિડિયોમાં એક લાલ રંગની એસયુવી પરેડમાં પાછળથી આવીને ધસમતી ઘુસતી દેખાય છે. SUV સીધી જ લોકોને કચડી આગળ વધે છે અને પછી ઘાયલોને મદદ કરવા માટે ફૂટપાથ પર પરેડ જોતા લોકો દોડી આવતા દેખાય છે. અન્ય એક વિડિયોમાં, SUV રસ્તા પરના બેરિયર સાથે અથઢાયા બાદ પોલીસ તેના પર ગોળીબાર કરતી દેખાય છે.
થોમ્પસને જણાવ્યું હતું કે એક પોલીસકર્મીએ વાહન પર ગોળીબાર કર્યો હતો અને પોલીસના ફાયરમાં કોઈ રાહદારીને ઈજા થઈ નથી. અગાઉના અહેવાલો કે વાહનમાંથી ગોળી ચલાવવામાં આવી હોઈ શકે છે તેમ જણાવાયું જે ખોટા અહેવાલ હતા.












