પાકિસ્તાનનું F-16 ફાઈટર પ્લેન ઉડાવી દેનારા ગ્રૂપ કેપ્ટન અભિનંદનનું વીર ચક્રથી સન્માન. (ANI Photo)

ભારતીય હવાઇદળના પાઇલટ ગ્રૂપના કેપ્ટન અભિનંદન વર્ધમાનનું સોમવારે વીર ચક્રથી સન્માન કરવામાં આવ્યું હતું. નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવન ખાતે આયોજિત સન્માન સમારંભમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ ઉપસ્થિત રહ્યાં.

અભિનંદન વર્ધમાનને 27 ફેબ્રુઆરી, 2019ના રોજ પાકિસ્તાના F-16 ફાઈટર વિમાનને તોડી પાડ્યું હતું. પાકિસ્તાન સામે બાલાકોટ એરસ્ટ્રાઈક વખતે તેઓ હવાઇદળમાં વિંગ કમાન્ડર હતા, પરંતુ હવે તેમને પ્રમોટ કરીને ગ્રુપ કેપ્ટન બનાવી દેવામાં આવ્યા છે. 14 ફેબ્રુઆરી, 2019ના રોજ પાકિસ્તાનના આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદે પુલવામા ખાતે CRPFના કાફલા પર ફિદાયીન હુમલો કર્યો હતો. આ હુમલામાં ભારતના 40 જવાન શહીદ થયા હતા. આ હુમલાનો જડબાતોડ જવાબ આપવા માટે ભારતીય હવાઇદળે 26-27 ફેબ્રુઆરીની રાત્રિના સમયે પાકિસ્તાનના બાલાકોટ ખાતે એરસ્ટ્રાઈક કરી હતી. ભારતના આ હવાઈ હુમલામાં પાકિસ્તાનમાં બેઠેલા 300 કરતા વધારે આતંકવાદીઓ માર્યા ગયા હતા.

એરસ્ટ્રાઈકના બીજા દિવસે 27 ફેબ્રુઆરીના રોજ પાકિસ્તાનની હવાઇદળે ભારતમાં ઘૂસવાનો પ્રયત્ન કર્યો હતો જેને ભારતીય હવાઇદળે નિષ્ફળ બનાવ્યો હતો. વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાન તે સમયે Mig-21 ઉડાવી રહ્યા હતા જેની મદદથી તેમણે પાકિસ્તાનના F-16ને તોડી પાડ્યું હતું.