રશિયન પ્રેસિડન્ટ વ્લાદિમીર પુટિન 6 ડિસેમ્બરના રોજ ભારતની મુલાકાતે આવે તે પહેલા જ રશિયાના વિદેશ પ્રધાન સર્ગેઈ લાવરોવ અને સંરક્ષણ પ્રધાન સર્ગેઈ શોઈગુ પણ ભારત પહોંચી ચુક્યા છે. બંને પ્રધાનો ભારતના વિદેશ પ્રધાન ડો. એસ જયશંકર અને સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહની મુલાકાત કરી હતી. આ મુલાકાત બાદ હવે બેઠકોનો દોર ચાલુ થઈ ગયો છે.
સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને રશિયાના સંરક્ષણ પ્રધાન સર્ગેઈ શોઈગુ વચ્ચે 6 ડિસેમ્બરે નવી દિલ્હી ખાતે બેઠક યોજાઈ હતી. આ દરમિયાન બંને નેતાઓએ ભારત અને રશિયા વચ્ચે થયેલી સમજૂતીઓ પર હસ્તાક્ષર કર્યા હતા. આ સમજૂતી મુજબ ઉત્તરપ્રદેશના અમેઠીમાં એક સંયુક્ત સાહસ હેઠળ આશરે છ લાખ AK-203 રાઇફલનું ઉત્પાદન થશે. આ ડીલ આશરે રૂ.5,000 કરોડની છે. બંને દેશો વચ્ચે મિલિટરી ટેકનોલોજી સહકારને આગામી દાયકા સુધી ચાલુ રાખવાની પણ સમજૂતી કરી હતી. આમ બંને દેશો વચ્ચે 2031 સુધી આ સહયોગ રહેશે.
આ બેઠક દરમિયાન સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે જણાવ્યું કે, ઊભરતી ભૂ-રાજકીય સ્થિતિ વચ્ચે ભારત-રૂસ વાર્ષિક શિખર સંમેલન ફરી એક વખત આપણા દેશો વચ્ચે વિશેષ વ્યૂહાત્મક ભાગીદારીના મહત્વની પૃષ્ટિ કરે છે. રાજનાથ સિંહે જણાવ્યું કે, સંરક્ષણ સહયોગ આપણી ભાગીદારીના સૌથી મહત્વપૂર્ણ સ્તંભોમાંથી એક છે. મને આશા છે કે, ભારત-રૂસ ભાગીદારી સમગ્ર ક્ષેત્રમાં શાંતિ લાવશે અને ક્ષેત્રને સ્થિરતા પ્રદાન કરશે. વધુમાં જણાવ્યું કે, ભારત અને રશિયાના સંબંધ બહુપક્ષવાદ, વૈશ્વિક શાંતિ, સમૃદ્ધિ, આંતરિક સમજણ અને વિશ્વાસમાં એક સામાન્ય હિતના આધાર પર આધારીત છે.