બાબરી મસ્જિદ ધ્વંસની વરસી (6 ડિસેમ્બર)એ મથુરામાં શ્રી ક્રિષ્ન જન્મભૂમિ મંદિર સંકુલમાં આવેલી શાહી ઇદગાહ મસ્જિદમાં ભગવાન કૃષ્ની મૂર્તિ સ્થાપિત કરવાની અખિત ભારત હિન્દુ મહાસભાની જાહેરાતને પગલે મથુરામાં સુરક્ષાની જડબેસલાક વ્યવસ્થા કરવામાં આવી હતી. (ANI Photo)

ઉત્તરપ્રદેશના મથુરામાં અયોધ્યા રામ મંદિર જેવો વિવાદ શરૂ થઇ ગયો છે. 6 ડિસેમ્બરે અયોધ્યા બાબરી ધ્વંસની વરસી હોવાથી મથુરામાં મોટી સંખ્યામાં પોલીસ અને સીઆરપીએફના જવાનો તૈનાત કરીને સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવામાં આવી હતી. સ્થાનિક હિન્દુ સંગઠનો મથુરામાં શ્રીકૃષ્ણ જન્મભૂમિ પરિસરમાં આવેલી શાહી ઇદગાહ મસ્જિદ હટાવવાની માગણી કરી રહ્યાં છે અને 6 ડિસેમ્બરે મસ્જિદમાં શ્રી કૃષ્ણની મૂર્તિની સ્થાપના કરવાની જાહેરાત કરી છે.

શહેરના મોટા ભાગના રસ્તાઓને સીલ કરી દેવાયા હતા. માત્ર સ્થાનિક લોકોની જ અવરજવરની છૂટ આપવામા આવી હતી. મથુરામાં પણ મંદિર અને મસ્જિદ વિવાદ ઘણો જૂનો છે. સ્થાનિક હિન્દુ સંગઠનોએ ચીમકી આપી હતી કે તેઓ મથુરાના કૃષ્ણ મંદિર પાસે જે મસ્જિદ આવેલી છે તેમાં કૃષ્ણની મૂર્તિની સ્થાપના કરશે. આ માગ સાથે તેઓ રેલી પણ કાઢશે. આ ચીમકીને પગલે વહીવટીતંત્ર સજાગ બન્યું હતું.

મથુરામાં કરફ્યૂ જેવો માહોલ ઊભો થયો હતો. ગયા સપ્તાહે જ સીઆરપીએફના ડીજીએ પત્ર લખીને સ્થાનિક વહીવટીતંત્રને એલર્ટ કર્યું હતું. અહીંની શેરીઓમાં અને ઇદગાહ મસ્જિદ પાસે સીઆરપીએફના જવાનોને તૈનાત કરી દેવાયા હતા. મથુરામાં શ્રીકૃષ્ણ જન્મભૂમિ પરિસરમાં આવેલી શાહી ઇદગાહ મસ્જિદ હટાવવાની માગણી સ્થાનિક સંગઠનો દ્વારા થઇ રહી છે.

સ્થાનિક સંગઠનોનો દાવો છે કે મસ્જિદ જે જમીન પર આવેલી છે તે મંદિર પ્રશાસનની છે. આ મુદ્દે અનેક અરજીઓ પણ સ્થાનિક મથુરાની કોર્ટમાં થઇ ચુકી છે. અહીં અખિલ ભારત હિન્દૂ મહાસભા આ મસ્જિદની માલિકી અને વહીવટ શ્રીકૃષ્ણ જન્મભૂમિ ટ્રસ્ટને સોપવાની માગ કરી રહ્યું છે. તેનાથી અયોધ્યા જેવી ઘટના પણ બનવાની સરકારને ભીતિ છે કેમ કે આ મસ્જિદમાં મૂર્તિ સ્થાપિત કરવાની ધમકી અપાઇ રહી છે.

ઉત્તરપ્રદેશમાં ચૂંટણીનો સમય નજીક આવી રહ્યો છે તેમ તેમ આ મામલો વધુ ગરમાઇ રહ્યો છે. જોકે કેટલાક સ્થાનિક હિન્દુ સંગઠનોએ શાંતિની અપીલ પણ કરી છે અને શાંતિ ડોળનારાઓની ટીકા પણ કરી છે. અખિલ ભારતીય તીર્થ પુરોહિત મહાસભાએ જનતાને અપીલ કરી છે કે તે કોઇ પણ પ્રકારની ઉશ્કેરણીમાં ન આવે અને આક્રમક પ્રતિક્રિયાઓથી દુર રહે તેમજ શાંતિ અને ભાઇચારો જળવાઈ રહે તે પ્રકારના પ્રયાસો કરે.