આ વર્ષે 6 જાન્યુઆરીના રોજ કેપિટોલ હિલ પર થયેલા હુમલાની ઘટનાના વ્હાઇટ હાઉસના રેકોર્ડ્ઝને ગુપ્ત રાખવાની ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની માગણીને યુએસ ફેડરલ અપીલ્સ કોર્ટે ગુરુવારે ફગાવી છે. અપીલ કોર્ટે નીચલી કોર્ટના ચૂકાદાને યોગ્ય ઠેરવ્યો હતો કે, પ્રેસિડેન્ટ જો બાઇડેન રેકોર્ડ્સ પરના ખાસ વિશેષાધિકારને જતો કરી શકે છે, જેથી તેને ટ્રમ્પ સમર્થકો દ્વારા થયેલી હિંસાની તપાસ કરી રહેલી કોંગ્રેસ પેનલને સોંપી શકાય.
ટ્રમ્પ પર યુએસ કોંગ્રેસ પર હુમલાને ઉત્તેજન આપવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. તેમણે હુમલા સાથે સંબંધિત ડોક્યુમેન્ટ્સ અને ફોન રેકોર્ડ્સને ગુપ્ત રાખવા માટે ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ તરીકેના તેમના વિશેષાધિકારનો ઉપયોગ કરવાનો પ્રયાસ કર્યો હતો.
અપીલ કોર્ટે પોતાના ચૂકાદામાં જણાવ્યું હતું કે, ‘ભૂતપૂર્વ પ્રેસિડેન્ટનો અધિકાર વર્તમાન પ્રેસિડેન્ટ કરતા વધુ નથી જ.’
કોર્ટે વધુમાં કહ્યું હતું કે, ‘આ કેસમાં, પ્રેસિડેન્ટ બાઇડેન, એક્ઝિક્યુટિવ બ્રાન્ચના વડા તરીકે, તેમને ખાસ જાણવા મળ્યું છે કે કોંગ્રેસે આ ડોક્યુમેન્ટ્સની અનિવાર્ય જરૂરિયાત દર્શાવી છે અને તે જાહેરાત રાષ્ટ્રના શ્રેષ્ઠ હિતમાં છે.’
આ ચૂકાદાથી તાત્કાલિક રેકોર્ડ્સ જાહેર થતા નથી. અપીલ કોર્ટે જણાવ્યું કે, ટ્રમ્પના વકીલો પાસે કેસને સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવા માટે બે અઠવાડિયાનો સમય મળશે. જોકે, ટ્રમ્પના વકીલો તે અંગે વિનંતી કરે તેવી અપેક્ષા છે જ્યારે જ્યારે હાઇકોર્ટ આ અભૂતપૂર્વ કેસની સમીક્ષા કરી રહી છે. અપીલ કોર્ટે એમ પણ કહ્યું હતું કે, રેકોર્ડનું જાહેર હિત ટ્રમ્પના પોતાના કરતા વધુ છે.
આ ઘટનાની તપાસ કરી રહેલી હાઉસ સિલેક્ટ કમિટીએ નેશનલ આર્કાઈવ્સ દ્વારા રાખવામાં આવેલા રેકોર્ડ્સની માગણી કરી હતી. 6 જાન્યુઆરીની આ હિંસક ઘટનામાં સેંકડો ટ્રમ્પ સમર્થકોએ કોંગ્રેસને બંધ કરવાની ફરજ પાડી હતી અને જો બાઇડેન નવેમ્બર 2020ની ચૂંટણીમાં વિજેતા થતા તેની ખાતરી કરવા માટેના સંયુક્ત સત્રમાં વિક્ષેપ પાડ્યો હતો.
ટ્રમ્પે જે ડોક્યુમેન્ટ્સને અટકાવવાની આશા રાખી હતી તેમાં તેમના ટોચના સહાયકોના રેકોર્ડ્સ અને તેમના પ્રેસ સેક્રેટરીને આપવામાં આવેલા મેમોનો પણ સમાવેશ થાય છે.