. (ANI Photo)

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને બુધવારે AMTS અને BRTSની બસો માત્ર 50% સિટિંગ કેપેસિટી સાથે દોડાવવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણયનો અમલ આવતીકાલે ગુરૂવાર એટલે કે 6 જાન્યુઆરીથી કરવામાં આવ્યો હતો.કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનની એન્ટ્રી બાદ રાજ્યમાં કોરોનાની ગંભીર સ્થિતિ ઊભી થઈ રહી છે. 5 જાન્યુઆરીએ રાજ્યમાં કોરોનાના 3350 નવા કેસ નોધાયા હતા. જેમાં સૌથી વધુ અમદાવાદ શહેરમાં 1637 નવા કેસ નોંધાયા હતા. આ સાથે જ રાજ્યમાં કોરોનાના સક્રિય કેસોની સંખ્યા 10,994 થઇ ગઇ હતી.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટ તથા ટ્રાન્સપોર્ટ કમિટીના ચેરમેન વલ્લભ પટેલ જણાવ્યું કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ભારતમાં જાહેર પરિવહનની સુવિધા પુરી પાડવા અંગે કામગીરી કરવામાં અગ્રેસર છે. તેના ભાગરૂપે અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ, અમદાવાદ જનમાર્ગ લી. દ્વારા શહેરીજનોને જાહેર પરિવહનની સેવા પૂરી પાડવામાં આવે છે.

હાલમાં AMTSની 580 બસો અને BRTSની 350 બસો મળી કુલ 930 બસો સંચાલનમાં છે. આ તમામ બસો રાબેતા મુજબ ચાલુ રહેશે પણ વર્તમાન સમયમાં કોરોના વાયરસના સંક્રમણને નિયંત્રણમાં રાખી શકાય તે હેતુથી 50% સિટિંગ કેપેસિટી સાથે 6 જાન્યુઆરીથી બસો સંચાલનમાં મુકવામાં આવી છે.