મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

ઓમિક્રોન વેરિન્ટને પગલે કોરોનાના કેસોમાં ઉછાળાની સ્થિતિને ધ્યાનમાં રાખીને ભારત સરકારે શુક્રવારે તેની ટ્રાવેલ ગાઇડલાઇનમાં સુધારો કર્યો હતો. નવી ગાઇડલાઇન મુજબ ભારતમાં આવતા તમામ ઇન્ટરનેશનલ ટ્રાવેલર્સે ફરજિયાત સાત દિવસ માટે હોમ ક્વોરેન્ટાઇ થવું પડશે. નવા નિયમોનો અમલ 11 જાન્યુઆરી 2022થી થશે.
કેન્દ્ર સરકારે જણાવ્યું હતું કે જોખમ આધારિત અભિગમ અપનાવીને ઇન્ટરનેશનલ ટ્રાવેલર્સ માટે ગાઇડલાઇન નક્કી કરવામાં આવી છે અને નવા વેરિયન્ટને પગલે હાલની ગાઇડલાઇનમાં સુધારો કરવામાં આવ્યો છે.

નવા નિયમો મુજબ જોખમ ધરાવતા દેશોના ટ્રાવેલર્સ ભારતમાં આગમન સમયે કોવિડ ટેસ્ટિંગ માટે સેમ્પલ આપવા પડશે. આ ટેસ્ટનું રિઝલ્ટ આવ્યા બાદ જ ટ્રાવેલરને એરપોર્ટ સંકુલ છોડવાની પરવાનગી મળશે. નેગેટિવ આવનારા લોકોએ સાત દિવસ માટે હોમ ક્વોરેન્ટાઇન થવું પડશે તથા આગમનના આઠમાં દિવસે RT-PCR ટેસ્ટ કરાવવો પડશે.
જો ટ્રાવેલર્સ કોરોના પોઝિટિવ આવશે તો તેમના સેમ્પલ જિનોમ ટેસ્ટિંગ માટે મોકલવામાં આવશે. પોઝિટિવ આવનારા વ્યક્તિઓને આઇસોલેશન ફેસિલિટીમાં રાખવામાં આવશે અને તેમની સ્ટાન્ડર્ડ પ્રોટોકોલ મુજબ સારવાર થશે. આ પછી સંબંધિત રાજ્યોએ આવા મુસાફરોના સંપર્કમાં આવનારા લોકોને શોધવાનું ચાલુ કરવું પડશે. જો ટ્રાવેલર્સ નેગેટિવ આવશે તો તેમને પછીના સાત દિવસ માટે સેલ્ફ મોનિટર કરવાનું રહેશે.

સરકારે તમામ ટ્રાવેલર્સને નિયત મુસાફરી ચાલુ કરતાં પહેલા ઓનલાઇન એરસુવિધા પોર્ટલ પર સેલ્ફ ડિક્લેરેશન આપવું પડશે. તેમાં છેલ્લાં 14 દિવસની ટ્રાવેલ વિગતો હશે. આ ઉપરાંત નેગેટિવ કોરોના આરટી-પીસીઆર રિપોર્ટ અપલોડ કરવો પડશે. આ ટેસ્ટ મુસાફરના પ્રારંભના 72 કલાક પહેલાનો હોવો જોઇએ.