પંજાબ વિધાનસભાની ચૂંટણીમાં અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી (AAP)એ પોતાના મુખ્યપ્રધાન પદના ઉમેદવાર તરીકે ભગવંત માનની મંગળવારે પસંદગી કરી હતી. પાર્ટીએ એક અલગ ચીલો પાડીને પંજાબમાં આમ આદમી પાર્ટીના મુખ્યપ્રધાનના ઉમેદવારની પસંદગી માટે ફોન અને વોટ્સએપ નંબર મારફત જનતાનો અભિપ્રાય માંગ્યો હતો. 22 લાખ લોકો કરતા વધારે લોકોએ પોતાના અભિપ્રાય મોકલ્યા હતા, જેમાં 92 ટકા લોકોએ ભગવંત માનને મુખ્યપ્રધાનના ઉમેદવાર બનાવવાની તરફેણ કરી હતી.
પ્રેસ કોન્ફરન્સ કરીને આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે ભગવંત માનનું નામ લીધું તો જોરશોરથી ઢોલ-નગારા વાગવા લાગ્યા હતા. ભગવંત માનું નામ આવતા તેમના ઘણાં સમર્થકો ભાવુક થઈ ગયા હતા. ભગવંત માન 2014માં આમ આદમી પાર્ટીના લોકસભા સભ્ય રહ્યા છે. મે 2014માં ભગવંત માન પંજાબના સંગરૂર મત વિસ્તારથી સાંસદ ચૂંટાયા હતા. આ પછી તેઓ 17મી વિધાનસભા ચૂંટણીમાં બીજી વખત સંગરૂર લોકસભા બેઠક પરથી સાંસદ બન્યા હતા.