રશિયા-યુક્રેન વચ્ચે યુદ્ધના કાળા વાદળો વિખેરાઈ રહ્યા હોય તેવો સંકેત આપતા રશિયાએ મંગળવારે જણાવ્યું હતું કે લશ્કરી કવાયતમાં સામેલ કેટલીક લશ્કરી ટુકડીઓ તેમના બેઝ પર પરત આવી રહી છે. રશિયાની આ જાહેરાતથી વિશ્વભરમાં એવી આશા જન્મી છે કે ક્રેમલિન હાલમાં યુક્રેન પર આક્રમણ નહીં કરે અને યુદ્ધ ટાળી શકાશે. જોકે રશિયાએ એ અંગેની વિગતો ન આપી હતી કે તેના સૈનિકો ક્યાંથી પરત આવી રહ્યાં છે અને કેટલાં પ્રમાણ આવી રહ્યાં છે. તેનાથી લશ્કરી દળોની પીછેહટની આ જાહેરાતનું મહત્ત્વ પણ ઘટ્યું હતું.
સૈનિકો પરત આવી રહ્યાં હોવાની રશિયાની જાહેરાતથી વિશ્વભરના ફાઇનાન્શિયલ માર્કેટમાં પ્રત્યાઘાતી ઉછાળો આવ્યો હતો. છેલ્લાં કેટલાંક સપ્તાહથી યુક્રેનના મુદ્દે પૂર્વ-પશ્ચિમના દેશો વચ્ચે યુદ્ઘના ભણકારા વાગતા હતા. એક દિવસ પહેલા રશિયાના વિદેશ પ્રધાને પણ સંકેત આપ્યો હતો કે તેમનો દેશ યુક્રેન કટોકટી તરફ દોરી જતી સુરક્ષાની ફરિયાદો અંગે મંત્રણા ચાલુ રાખવા તૈયાર છે. વિદેશી પ્રધાનના આ સંકેત બાદ યુદ્ધનો માહોલ થોડો હળવો થયો હતો.
રશિયાના સંરક્ષણ મંત્રાલયના નિવેદનના થોડા કલાકો પહેલા અમેરિકાના સુરક્ષા અધિકારીઓએ જણાવ્યું હતું કે રશિયાની લશ્કરી ટુકડીઓ યુક્રેનથી દૂર નહીં, પરંતુ યુક્રેનની સરહદ નજીક આગળ વધી રહી છે. પશ્વિમ દેશોના અધિકારીઓએ પણ ચેતવણી આપવાનું ચાલુ રાખ્યું હતું કે રશિયાની મિલિટરી કોઇપણ સમયે યુક્રેન પર હુમલો કરી શકે છે. રશિયા બુધવારે હુમલો કરશે તેવી પણ ચેતવણી આપવામાં આવી હતી. બીજી તરફ નાટોના વડાએ જણાવ્યું હતું કે રશિયાની પીછેહટની હજુ કોઇ સાબિતી નથી.
યુક્રેન સરહદ પર રશિયાએ આશરે 1.30 લાખ સૈનિકોની જમાવટ કરતાં યુદ્ધનો ભય ઊભો થયો હતો. રશિયાએ ઉત્તર, દક્ષિણ અને પૂર્વમાંથી યુક્રેનને ઘેરી લીધું છે અને સરહદ નજીક મોટી લશ્કરી કવાયત હાથ ધરી છે. આ તમામ હોવા છતાં રશિયા આક્રમણની યોજનાને નકારતું રહ્યું છે. અમેરિકા અને નાટોના બીજા દેશો યુક્રેનને સમર્થન આપી રહ્યાં છે તથા યુક્રેનને લશ્કરી મદદ કરી રહ્યાં છે અને પોતાના સૈનિકોને યુક્રેનની પશ્ચિમ બાજુ ખસેડ્યા છે. આ પશ્ચિમી દેશોએ યુક્રેનને વધુ નાણાકીય સહાયનું પણ વચન આપ્યું છે.
અમેરિકાની આગેવાની હેઠળ પશ્ચિમ દેશો યુદ્ધનો ભય ઊભો કરી રહ્યું છે તેવો પણ રશિયાએ આક્ષેપ કર્યો હતો. જોકે રશિયાએ યુક્રેને ત્રણ બાજુથી ઘેરી લીધું છે. તેથી તેની સામે તાકીદનું જોખમ ઘટ્યું હોવા છતાં લાંબા ગાળાનું જોખમ યથાવત છે. રશિયાએ ટેન્કો અને લશ્કરી વાહનોને ટ્રેનમાં ચડાવવામાં આવતા હોય અને ટેન્ક કમાન્ડર પોતાના દળોને સલામી આપતા હોય તેવા ફોટો જારી કર્યા હતાા. વિદેશ પ્રધાન સર્ગી લાવરોવે જણાવ્યું હતું કે લશ્કરી દળો યોજના મુજબ હિલચાલ કરી રહ્યાં છે. કોઇ શું વિચારે છે અને કોણ યુદ્ધનો માહોલ ઊભો કરે છે તેને ધ્યાનમાં રાખ્યા વગર મિલિટરી નિયત સમયે આવી કવાયત કરે છે.
બ્રસેલ્સમાં નાટોના મહામંત્રી જેન્સ સ્ટોલ્ટેનબર્ગે જણાવ્યું હતું કે અત્યાર સુધી જમીન પર તંગદિલી ઓછી થઈ હોય તેવું અમને દેખાતું નથી. યુક્રેનની સરહદ પર રશિયાની લશ્કરી હાજરીમાં ઘટાડાના પણ કોઇ સંકેત નથી. જોકે ડિપ્લોમેટિક પ્રયાસો અંગે સાવધાનીભર્યો આશાવાદ છે.