ભારતમાં ખેડૂત આંદોલન દરમિયાન ચર્ચામાં આવેલા પંજાબી અભિનેતા દીપ સિદ્ધુનું માર્ગ અકસ્માતમાં 15 ફેબ્રુઆરીએ મોત થયું હતું..(ANI Photo)

ભારતમાં ખેડૂત આંદોલન દરમિયાન ચર્ચામાં આવેલા પંજાબી અભિનેતા દીપ સિદ્ધુનું માર્ગ અકસ્માતમાં 15 ફેબ્રુઆરીએ મોત થયું હતું. હરિયાણા પોલીસે જણાવ્યું છે કે દીપ સિદ્ધુનું સોનિપત નજીક માર્ગ અકસ્માતમાં મોત થયું છે. આ અકસ્માત મંગળવારે રાત્રે 9.30 વાગ્યે કુંડલી માનેસર એક્સપ્રેસ વે પર પીપલી ટોલ નાકા ખાતે થયો હતો. સિદ્ધુ ખેડૂત આંદોલન દરમિયાન 26 જાન્યુઆરીએ લાલ કિલ્લા પર થયેલી હિંસાના કેસના આરોપી હતા અને હાલમાં તે જામીન પર બહાર હતા.

અકસ્માત બાદ દીપ સિદ્ધુને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. દીપ સિદ્ધુની ગાડી એક ટ્રેલર સાથે અથડાઈ હતી. પંજાબના મુખ્યપ્રધાન ચરનજીત સિંહ ચન્નીએ ટ્વિટર પર શોક વ્યક્ત કર્યો હતો
ગયા વર્ષે 26 જાન્યુઆરી લાલ કિલ્લા હિંસામાં પોલીસે કુલ 17 આરોપીઓ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી હતી, જેમાં દીપ સિદ્ધુ મુખ્ય આરોપી હતો. તેના પર લાલ કિલ્લા પર ભીડને ભડકાવવા અને લાલ કિલ્લા પર ત્રિરંગો હટાવીને નિશાન સાહિબ ફરકાવવાનો આરોપ હતો. તેમના વિરુદ્ધ 26 જાન્યુઆરી 2021ના રોજ તેના વિરુદ્ધ યુએપીએ અને ઘણી અન્ય કલમો અંતર્ગત કેસ દાખલ કરવામાં આવ્યો હતો. તેમને 70 દિવસ સુધી કસ્ટડીમાં રાખવામાં આવ્યા હતા. તે સમયે સિદ્ધુની ધરપકડ માટે દિલ્હી પોલીસે એક લાખ રૂપિયાનું ઈનામ પણ જાહેર કર્યું હતું. ફેબ્રુઆરી 2021માં દીપની દિલ્હી પોલીસે ધરપકડ કરી હતી. ત્યારબાદ એપ્રિલ 2021માં કોર્ટે તેમને જામીન આપી હતી..