વડા પ્રધાન બોરિસ જૉન્સને “લિવિંગ વિથ કોવિડ” યોજનાનું અનાવરણ કરતા ગુરૂવારથી ઈંગ્લેન્ડમાં કોરોના વાયરસ સંબંધી મોટા ભાગના નિયંત્રણોના અંતની જાહેરાત કરી છે. 1 એપ્રિલથી મફત માસ ટેસ્ટીંગ બંધ થઈ જશે અને મફત ટેસ્ટીંગ સૌથી વધુ સંવેદનશીલ લોકો માટે લક્ષિત કરવામાં આવશે.
વડા પ્રધાને સાંસદોને જણાવ્યું હતું કે પોઝીટીવ ટેસ્ટ આવે તેને આઇસોલેટ કરવાના નિયમનો પણ અંત આવે છે. જો કે લંડનના ટ્રાન્સપોર્ટ નેટવર્કમાં ફેસ માસ્ક પહેરવા પડશે. લંડનના મેયર સાદિક ખાને કહ્યું હતું કે તેઓ અપેક્ષા રાખે છે કે વડા પ્રધાનની જાહેરાત બાદ તે નિયમો હટાવવામાં આવશે.
સોમવારે સાંજે ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે ન્યૂઝ કોન્ફરન્સમાં બોલતા, જૉન્સને કહ્યું હતું કે “આજના દિવસે આપણે કોવિડ પર વિજય જાહેર કરી શકતા નથી કારણ કે આ વાયરસ નાબૂદ થયો નથી. વિતેલા બે વર્ષ આપણા શાંતિના સમયના ઇતિહાસના બે સૌથી ભયંકર વર્ષ રહ્યા છે. ઘટી રહેલા કેસ અને હોસ્પિટલમાં દાખલ થતા દર્દીઓની સંખ્યા જોતાં રાષ્ટ્ર ઓમિક્રોનની ટોચ પાર કરી ચૂક્યું છે. દેશ હવે કોવિડના પુનરુત્થાન અથવા નવા પ્રકારને પ્રતિસાદ આપવા માટેની તૈયારીઓ સાથે સામાન્ય સ્થિતિ તરફ જઇ રહ્યો છે.’’
ઇંગ્લેન્ડના ચીફ મેડિકલ ઓફિસર પ્રોફેસર સર ક્રિસ વ્હિટીએ જણાવ્યું હતું કે ‘વાયરસ નિયંત્રણોનો અંત એ ધીમે ધીમે થતો સ્થિર ફેરફાર છે. પણ આ રોગચાળો અચાનક અટકી જાય તેવું નથી. ઓમિક્રોનથી ચેપગ્રસ્ત લોકોની સંખ્યા હજુ પણ ખૂબ વધારે છે. કોવિડ ધરાવતા લોકોએ હજુ પણ અન્ય લોકોને ચેપ લાગતો અટકાવવા માટે સેલ્ફ આઇસોલેટ થવાનું રહેશે એવી પબ્લિક હેલ્થ એડવાઇસ છે.’’
ઓફિસ ફોર નેશનલ સ્ટેટિસ્ટિક્સના આંકડા મુજબ ગયા અઠવાડિયે ઇંગ્લેન્ડમાં 20 માંથી એક વ્યક્તિને કોવિડ હતો.
યુકે સરકારના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર સર પેટ્રિક વેલેન્સે ચેતવણી આપી હતી કે ‘’આગામી બે વર્ષોમાં વાયરસનો વિકાસ ચાલુ રહેશે અને એવી કોઈ ગેરેંટી નથી કે ભવિષ્યના વેરિઅન્ટ ઓમિક્રોન કરતા ઓછા ગંભીર હશે. દેશે નવા જોખમો પર દેખરેખ રાખવા માટે વાઇરસ સર્વેલન્સ સિસ્ટમ જાળવી રાખી છે અને નબળા લોકોને બચાવવા માટે ફરીથી ઝડપથી પગલાં “રેમ્પ અપ” કરવાની ક્ષમતા જાળવી રાખી છે.’’
અગાઉ, શ્રી જૉન્સને સાંસદોને કહ્યું હતું કે ‘’હવે સમય આવી ગયો છે કે સરકારી પ્રતિબંધોમાંથી વ્યક્તિગત જવાબદારીનો ઉપયોગ કરતા લોકો તરફ આગળ વધો. કારણ કે રોગપ્રતિકારક શક્તિનું સ્તર ખૂબ ઊંચું છે અને મૃત્યુનો દર જોતાં સરકાર પ્રતિબંધો હટાવી શકે છે. ઓમિક્રોન ઓછો ગંભીર હોવાથી અમે તેમ કરી રહ્યા છીએ. સૌથી વધુ સંવેદનશીલ જૂથના લોકો માટે મર્યાદિત મફત લેટરલ ફ્લો ટેસ્ટ હજી પણ અપાશે. રિટેલરો ટેસ્ટીંગ કરવા કીટ ખરીદવા ઇચ્છશે તો તે ખરીદી શકશે.’’
જો કે વડા પ્રધાને એ સ્પષ્ટ કર્યું નથી કે લોકોના કયા જૂથોને “સૌથી વધુ સંવેદનશીલ” માનવામાં આવશે.
1 એપ્રિલ પહેલા ફ્રી લેટરલ ફ્લો ટેસ્ટના સંગ્રહને રોકવા માટે, લોકો દર 24 કલાકને બદલે દર ત્રણ દિવસે એક બોક્સનો ઓર્ડર કરી શકશે. તે પછી વ્યક્તિગત ટેસ્ટીંગ માટે થોડા પાઉન્ડ ખર્ચ થવાની અપેક્ષા છે.
એકલા જાન્યુઆરીમાં ટેસ્ટીંગ સિસ્ટમ પાછળ £2 બિલીયન ખર્ચવામાં આવ્યા હતા. “લક્ષિત વેક્સીન અને સારવાર” સૌથી વધુ સંવેદનશીલ લોકો માટે હશે, અને સરકાર યુકેની વેક્સીન સલાહકાર સંસ્થાની ભલામણને અનુસરશે. સ્પ્રિંગમાં 75 વર્ષથી વધુ ઉંમરના અને સૌથી વધુ સંવેદનશીલ 12 વર્ષથી વધુ ઉંમરના લોકોને વધારાના બૂસ્ટર જેબ ઓફર કરી શકે.
સરકાર વાઇરસનો વધારો થાય ત્યાં અને ત્યારે તેનો ટ્રેક રાખવા માટે નેશનલ સ્ટેટિસ્ટિક્સ ઇન્ફેક્શન સર્વેલન્સ ઓફિસ શરૂ કરશે.વડા પ્રધાન જૉન્સને વચન આપ્યું હતું કે યુકે સરકાર સ્કોટલેન્ડ, વેલ્સ અને નોર્ધન આયર્લેન્ડના વહીવટીતંત્રો સાથે કામ કરવાનું ચાલુ રાખશે અને તેઓ તેમની પોતાની યોજનાઓને કેવી રીતે આગળ વધારવી તે નક્કી કરશે.
સ્કોટિશ હેલ્થ સેક્રેટરી હમઝા યુસુફે જણાવ્યું હતું કે ‘’કોવિડને રોકવા મફત ટેસ્ટીંગ અને સેલ્ફ આઇસોલેશન અસરકારક સાધનો છે અને પબ્લિકક હેલ્થ એડવાઇઝ સ્કોટિશ સરકારને “આ સમયે આ મહત્વપૂર્ણ હસ્તક્ષેપોને દૂર કરવાની સલાહ આપતી નથી. વાયરસનો સામનો કરી શકે માટે યુકેના તમામ ભાગો માટે “પર્યાપ્ત” ભંડોળ પૂરું પાડવાનું ચાલુ રાખવુ જોઇએ.
લેબર નેતા સર કેર સ્ટાર્મરે પીએમની યોજનાને “અરાજકતા અને અસમર્થતાથી લકવાગ્રસ્ત સરકારની અડધી પકવેલી જાહેરાત” તરીકે વર્ણવી હતી. તેમણે કહ્યું હતું કે પીએમની વ્યૂહરચના સૌને સંવેદનશીલ છોડી દેશે”.BMA ના કાઉન્સિલના અધ્યક્ષ ડૉ. ચાંદ નાગપોલે જણાવ્યું હતું કે ‘’વ્યૂહરચના સમાજના કેટલાક સૌથી સંવેદનશીલ લોકોની અવગણના કરે છે અને વધુ અનિશ્ચિતતા અને ચિંતાનું કારણ બને તેવી શક્યતા છે. કોવિડ -19 સાથે જીવવાનો અર્થ એ નથી કે બધા સાથે મળીને વાયરસની અવગણના કરવી જોઈએ.”ડૉ. નાગપોલે સ્ટાફ અને દર્દીઓને સુરક્ષિત રાખવા માટે NHS કામદારો માટેના ટેસ્ટ અંગે “તાકીદની સ્પષ્ટતા” માટે હાકલ કરી હતી.યુકેમાં 12 વર્ષ અને તેથી વધુ ઉંમરના 91 ટકાથી વધુ લોકોએ રસીની પ્રથમ માત્રા, 85 ટકાએ બીજી જેબ અને 66 ટકાએ બૂસ્ટર અથવા ત્રીજો ડોઝ લીધો છે.તા. 21ને સોમવારે, યુકેમાં પોઝિટિવ કોવિડ ટેસ્ટના 38,409 કેસ અને 15 મૃત્યુ નોંધાયા હતા.
ઇંગ્લેન્ડમાં શું બદલાશે
21 ફેબ્રુઆરી: સરકાર મોટાભાગના એજ્યુકેશન અને ચાઇલ્ડ કેર સેટિંગ્સમાં સ્ટાફ અને વિદ્યાર્થીઓ માટે સાપ્તાહિક બે વાર એસિમ્પ્ટોમેટિક ટેસ્ટ માટેની ગાઇડ લાઇન ત્યજી રહી છે
24 ફેબ્રુઆરી: કોવિડ પોઝીટીવ લોકોને હવે કાયદેસર રીતે સેલ્ફ આઇસોલેટ થવું પડશે નહિં. પરંતુ તેમને હજુ પણ ઘરે રહેવાની અને ઓછામાં ઓછા પાંચ દિવસ સુધી અન્ય લોકો સાથે સંપર્ક ટાળવાની સલાહ આપવામાં આવશે. • રૂટિન કોન્ટેક્ટ ટ્રેસિંગ સમાપ્ત થવાથી સંપૂર્ણ રસી લેનાર નજીકના સંપર્કો અને 18 વર્ષથી ઓછી ઉંમરના લોકોએ સાત દિવસ સુધી દરરોજ કાયદેસર રીતે ટેસ્ટીંગ કરવાની જરૂર રહેશે નહીં. • કોવિડ પોઝાટીવ ટેસ્ટ કરનાર ઓછી આવક ધરાવતા લોકો માટે £500ની સેલ્ફ આઇસોલેશન સહાય ઉપલબ્ધ રહેશે નહીં. • કોવિડ સ્ટેચ્યુટરી સીક પે માટેની કોવિડ જોગવાઈઓ વધુ એક મહિના માટે લાગુ થશે.
1 એપ્રિલથી: • સામાન્ય લોકો માટે મફત માસ સિમ્પ્ટોમેટિક અને એસિમ્પ્ટોમેટિક ટેસ્ટીંગ સમાપ્ત થશે. તેને સૌથી વધુ સંવેદનશીલ લોકો તરફ લક્ષિત કરવામાં આવશે. • કોવિડ લક્ષણો ધરાવતા લોકોએ ઘરે રહેવું કે નહીં તે નક્કી કરતી વખતે વ્યક્તિગત જવાબદારીનો ઉપયોગ કરવાનો રહેશે. • કોવિડ પાસપોર્ટની સરકારી ગાઇડલાઇન સમાપ્ત થશે અને NHS કોવિડ પાસનો ઉપયોગ કરવા માટે વેન્યુને ભલામણ કરશે નહીં.