રશિયાએ ગુરૂવાર (24 ફેબ્રુ)એ યુક્રેન પર હુમલો કરીને સત્તાવાર યુદ્ધની જાહેરાત કર્યા બાદ યુક્રેનાના ભારત ખાતેના રાજદૂતે ભારત પાસે મદદ માંગી હતી.. ભારતમાં યુક્રેનના રાજદૂત ઈગોલ પોલિખાએ જણાવ્યું હતું કે, અમે ભારતને સમર્થન આપવાની વિનંતી કરીએ છીએ. મોદીજી વિશ્વના સૌથી શક્તિશાળી અને સન્માનિત નેતા છે. આ ઉપરાંત તેઓ રશિયા સાથે પણ સારા સંબંધો ધરાવે છે. તેમણે કહ્યું હતું કે, જો મોદીજી રશિયન પ્રમુખ વ્લાદિમિર પુતિન સાથે વાત કરે તો અમને આશા છે કે તેઓ જવાબ આપશે. અમે આ મામલે ભારત તરફથી મજબૂત અવાજની આશા રાખી રહ્યા છીએ.
યુક્રેનના રાજદૂતે કહ્યું હતું કે, પરિસ્થિતિ ઝડપથી નિયંત્રણની બહાર જઈ શકે છે. તેવામાં આ ફક્ત બે દેશો વચ્ચેનું સંકટ નહીં રહે અને સમગ્ર વિશ્વને પોતાની લપેટમાં લઈ શકે છે. તેવામાં નિવેદનની કોઈ જરૂર નથી કેમ કે તેનો કોઈ મતલબ નથી. અમારે સમગ્ર વિશ્વના સમર્થનની જરૂર છે. અમે આ મામલે ભારતની દરમિયાનગીરી ઈચ્છીએ છીએ. રશિયા સાથે પોતાના સંબંધોને ધ્યાનમાં રાખતા ભારતે આ મામલે વધારે સક્રિય રીતે સામેલ થવું જોઈએ.
તેમણે જણાવ્યું હતું કે રશિયા આક્રમણ અંગે ભારતના વલણથી યુક્રેને ભારે અસંતોષ થયો છે. ભારતની મદદની આજીજી કરતા તેમણે જણાવ્યું હતું કે પુતિન વિશ્વના કેટલાં નેતાનું સાંભળે છે તેની મને ખબર નથી, પરંતુ મોદીનું સ્ટેટસ મને આશાવાદી બનાવે છે.