લેસ્ટરશાયરના 45 વર્ષીય ડ્રગ ગેંગ કુરિયર કેવિન થોમસન અને ગેંગ ઓર્ગેનાઇઝર 38 વર્ષીય શૈલેષ કુમારને કોકેઈનના મોટા ઓપરેશન અંતર્ગત સમગ્ર દેશમાં ક્લાસ A ડ્રગ્સ સપ્લાય કરવા બદલ જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે. આ ગેંગના જેલમાં ધકેલાયા સાગરીતોની કુલ જેલ ટર્મ 165 વર્ષથી વધુની છે.
સૌથી ગંભીર ગુનેગારોને લક્ષ્ય બનાવતા ઇસ્ટ મિડલેન્ડ્સ સ્પેશિયલ ઓપરેશન યુનિટ, (Emsou)ના નામથી ઓળખાતા પોલીસના સહયોગી જૂથના અધિકારીઓએ લેસ્ટરશાયર, નોટિંગહામશાયર, લિંકનશાયર અને લિવરપૂલના વિવિધ સરનામાં પર 50થી વધુ વોરંટ બજાવી તપાસ કરી હતી. તપાસ દરમિયાન, કોવેન્ટ્રીના એંગ્લીયન વે ખાતે રહેતા ગેંગ ઓર્ગેનાઇઝર 38 વર્ષીય શૈલેષ કુમારના નામનો પર્દાફાશ થયો હતો.
કુમારે ફેબ્રુઆરી 2019 માં બે કિલોથી વધુ કોકેઈનનો જથ્થો એમ્બર્ગેટ ડ્રાઇવ, બરસ્ટલના થોમસન દ્વારા ગેંગના અન્ય સભ્યોને કુરિયર કર્યો હતો. કોર્ટમાં, કુમારે કોકેઈન સપ્લાય કરવાના કાવતરાની કબુલાત કરતા તેને નવ વર્ષ અને સાત મહિનાની જેલ થઈ હતી. થોમસને છ વર્ષ અને સાત મહિનાની સજા ફટકારવામાં આવી હતી.
સજા પછી UMSOUના ડિટેક્ટીવ ઇન્સ્પેક્ટર લી હન્ટે કહ્યું હતું કે “અધિકારીઓએ પુરાવાઓ પર અથાક મહેનત કરી આ દોષિતોને સજા અપાવી છે. આ અમારા માટે એક મહત્વપૂર્ણ ઓપરેશન હતું પરંતુ અમારું કામ અહીં સમાપ્ત થતું નથી. ડ્રગ્સના દુરુપયોગ અને ગુનાહિત પ્રવૃત્તિને રોકવા આ પ્રકારની વધુ કામગીરી હાથ ધરીશું.”