યુદ્ધગ્રસ્ત યુક્રેનમાંથી ભારતે તેના નાગરિકો અને ખાસ કરીને વિદ્યાર્થીઓને સુરક્ષિત રીતે દેશમાં પરત લાવવા ઓપરેશન ગંગા નામનું અભિયાન સતત બીજા દિવસે ચાલુ રાખ્યું હતું. રવિવારે એર ઇન્ડિયાની ત્રણ સ્પેશ્યલ ફ્લાઇટ્સમાં રોમાનિયાની રાજધાની બુચારેસ્ટ અને હંગેરીની રાજધાની બુડાપેસ્ટમાંથી કુલ 688 નાગરિકોને ભારતમાં લાવવામાં આવ્યા હતા.
નાગરિક ઉડ્ડયન પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાએ જણાવ્યું હતું કે હાલમાં યુક્રેનમાં ભારતના આશરે 13,000 લોકો ફસાયેલા છે અને સરકાર શક્ય હોય તેટલી ઝડપથી તેમને પરત લાવવા માટે પ્રયાસો કરી રહી છે. સિંધિયાએ ગુલાબના ફૂલ આપીને ભારતના લોકોનું સ્વાગત કર્યું હતું.
યુક્રેન પર રશિયાના આક્રમણ પછી શનિવારથી ભારતના કુલ 907 નાગરિકોને દેશમાં પરત લાવવામાં આવ્યા છે. ઓપરેશન ગંગા હેઠળ પ્રથમ ફ્લાઇટમાં શનિવારે 219 લોકોને લાવવામાં આવ્યા હતા. બુચારેસ્ટથી બીજી ફ્લાઇટમાં રવિવારે 250 ભારતીય નાગરિકોને દિલ્હી લાવવામાં આવ્યા હતા. બુચારેસ્ટથી ઉપડેલી ત્રીજી ફ્લાઇટમાં 240 લોકોને દિલ્હી એરપોર્ટ પર લાવવામાં આવ્યા હતા. ટાટા ગ્રૂપની આ એરલાઇન્સની ચોથા ફ્લાઇટમાં 198 લોકોને બુચારેસ્ટથી દિલ્હી લાવવામાં આવ્યા હતા.
એર ઇન્ડિયાના પ્રવક્તાએ જણાવ્યું હતું કે કંપની રવિવારે બુચારેસ્ટ અને બુડાપેસ્ટમાંથી વધુ બે વિમાન મોકલવાની યોજના ધરાવે છે, તેથી પાંચમી અને છઠ્ઠી ફ્લાઇટ ઓપરેટ કરી શકાય, પરંતુ તે અંગે અનિશ્ચિતતા પણ છે. સિંધિયાએ જણાવ્યું હતું કે તમે મુશ્કેલ સમયમાંથી પસાર થયા છો, પરંતુ વડાપ્રધાન મોદી દરેક પગલે તમારી સાથે, ભારત સરકાર અને 130 કરોડ ભારતીય તમારી સાથે છે.
રશિયાના આક્રમણને પગલે 24 ફેબ્રુઆરીથી યુક્રેનની એરસ્પેસ બંધ છે. તેથી ભારત બુચારેસ્ટ અને બુડાપેસ્ટમાંથી તેના નાગરિકોને પરત લાવી રહ્યું છે. યુક્રેન-રોમાનિયા બોર્ડર અને યુક્રેન-હંગેરી બોર્ડર પર પહોંચેલા ભારતના નાગરિકોને ભારત સરકારના અધિકારીઓની મદદથી રોડમાર્ગે અનુક્રમે બુચારેસ્ટ અને બુડાપેસ્ટ લાવવામાં આવ્યા હતા, જેથી તેમને એર ઇન્ડિયાની આ ફ્લાઇટ મારફત ભારતમાં લાવી શકાય.