અમેરિકામાં હોસ્પિટાલિટી ઇન્ડસ્ટ્રીના અગ્રણી હોટેલિયર, દાનવીર જયંતી પી. રામા (જેપી)નો પાર્થિવદેહ તાજેતરમાં તેમના વતન સરોણા ખાતે પંચમહાભૂતમાં વિલિન થયો હતો. સ્વજનો-પરિવારજનો અને મિત્રોની હાજરીમાં સરોણા ખાતે સદગતના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. સાઉથ કેરોલિનાના ગ્રીનવિલેના રહેવાસી જેપીનું 74 વર્ષની ઉંમર 17 ફેબ્રુઆરીએ અમદાવાદમાં સારવાર દરમિયાન અવસાન થયું હતું.
સદગતના અંતિમસંસ્કારમાં જેપીનાં પત્ની ઇલાબેન (લક્ષ્મીબેન) રામા, પુત્રી રીટા રામા પટેલ, પુત્ર ડી.જે. રામા, પૌત્રો સત્ય પટેલ, કેવલ રામા, ભાઇઓ હસમુખ રામા-એચ.પી, મનહર રામા-એમ.પી, રમણ રામા-આર.પી, જમાઇ નિલેશ પટેલ સહિતના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.
સુરત નજીકના સરોણા ગામમાં સદગતના વ્યક્તિત્વને છાજે તેવી વિરાટ અંતિમયાત્રા નીકળી હતી, જેમાં મોટી સંખ્યામાં વિવિધ ક્ષેત્રના લોકો જોડાયા હતા, જેનો વીડિયો ઓનલાઇન પોસ્ટ કરવામાં આવ્યો હતો.
રામાએ તેમના સાથીઓમાં એક દંતકથા સમાન વ્યક્તિ તરીકે આ દુનિયામાં વિદાય લીધી છે. ‘આહોઆ’ના ભૂતપૂર્વ ચેરમેન અને એક પીઢ હોટેલીયરે એક એવો વારસો આપ્યો છે જે દાયકાઓ સુધી જે યુવા પેઢીને માર્ગદર્શન અને પ્રેરણા આપશે.
સાઉથ કેરોલિનામાં ગ્રીનવિલેસ્થિત તેમના દ્વારા સ્થાપિત ઓરો હોટેલ્સ (જેએચએમ હોટેલ્સ)નું સંચાલન હવે તેમના પુત્ર ડી.જે.રામા દ્વારા કરવામાં આવે છે.
જેપી રામાના જે મિત્રો અને પરિજનો અંતિમસંસ્કાર વખતે હાજરી નહોતા આપી શક્યા તેમના માટે, રામા પરિવાર દ્વારા સ્થાપિત સુરતની ખાનગી-ઓરો યુનિવર્સિટીએ યુટ્યૂબ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે. જેપી રામાને વિવિધ ક્ષેત્રના અનેક આગેવાનો સતત શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે.
વર્ષ 2005-06 દરમિયાન ‘આહોના’ ચેરમેન રહેલા સદગતના ભાઇ મનહર રામા-એમપીએ શ્રદ્ધાંજલિ પાઠવતા જણાવ્યું હતું કે, ‘મેં એક ભાઈને ગુમાવ્યા છે, જેની સાથે અમે મોટા થયા હતા, અમે સાથે સ્કૂલે ગયા હતા અને અમે એક છત નીચે કામ કર્યું છે. મારા મોટાભાઈ એક પ્રકારના યોદ્ધા હતા, એક પ્રકારનો. તેઓ ઘણા લોકો માટે પ્રેરણારૂપ હતા. તેઓ ખૂબ મહેનતું હતા, તેમની સાથે મુલાકાત કરનારને તેઓ હંમેશા સન્માન સાથે બોલાવતા હતા. અમે મજાક પણ કરતા હતા, પરંતુ તેઓ ગંભીર હોવાની સાથે રમૂજી પણ હતા. તેઓ કોઇપણ સમસ્યાના ઉકેલ શોધવા માટે નવો પ્રયત્ન કરવામાં ક્યારેય ડરતા નહીં. તેઓ પોતાની જવાબદારી માટે હંમેશા પ્રતિબદ્ધ રહેતા. તેઓ જ્યારે આહોઆના ચેરમેન હતા ત્યારે ઘરમાં કે પરિવાર સાથે ન હોય, તેઓ હોટેલીયર્સને આહોઆના સભ્ય બનાવવા માટે પ્રોત્સાહન આપવા પ્રવાસ કરતા હતા. તેમણે સભ્યો માટે ખૂબ જ મહેનત કરી છે. તેમના નેતૃત્વમાં એક એવો સેતુ રચાયો હતો જે સભ્યોને સશક્ત બનાવવાના હેતુ સાથે આહોઆની દૃષ્ટિને સાંકળી લે છે. આહોઆ મજબૂત બને અને હોસ્પિટાલિટી ઇન્ડસ્ટ્રીમાં તેની એક ઓળખ ઊભી થાય તેવી તેમની ઈચ્છા અને સ્વપ્ન હતું.
તેઓ પોતાની વાત સીધી જ કહી દેતા હતા. તેમના હેઠળ કાર્યરત તમામ સહયોગીઓ અને તેમના સંપર્કમાં આવેલા લોકોને તેમને દ્વારા ખૂબ જ સન્માન આપવામાં આવતું હતું. જો કોઈ ભૂલ કરી રહ્યું હોય તો તે દર્શાવવામાં ક્યારેય ડરતા ન હતા, તેઓ ઉચ્ચકક્ષાની સેવામાં માનતા હતા. તેઓ ખર્ચને નિયંત્રણમાં રાખવામાં અને કોઇપણ વસ્તુનો બગાડ ઘટાડીને સંસાધનોના શ્રેષ્ઠ ઉપયોગ કરીને નાણા બચાવવામાં માહિર હતા. તેમને જે કોઇ વ્યક્તિ કંઇ પૂછે તો તેને સાચી સલાહ આપતા હતા. તેઓ લાગણીશીલ અને રમૂજી સ્વભાવ ધરાવતા હતા. તેમણે ઘણા લોકોના જીવનને આનંદમય બનાવ્યું હતું. અમે કદાચ તેમને ગુમાવ્યા છે, પરંતુ તેમનો જુસ્સો હંમેશા જીવંત રહેશે. તેમના સંસ્મરણો હંમેશા અમારી સાથે પ્રેમના વારસાની જેમ જીવંત રહેશે.’
પોતાના ભાઈને શ્રદ્ધાંજલિ આપતા, એચ.પીએ જણાવ્યું હતું કે, ‘મારા ભાઈ જબરદસ્ત સાહસિક વ્યક્તિ હતા, અને તે માટે ઘણા કારણો પણ છે, તેમનામાંથી ઘણા લોકોએ પોતાના જીવનનું મિશન બનાવ્યું હતું. તેઓ આક્રમક દેખાતા હતા પરંતુ અંદરથી ખૂબ જ કોમળ હતા અને કોઈપણને મદદ કરવા અને યોગ્ય સમયે યોગ્ય કાર્ય કરવા માટે તૈયાર રહેતા હતા.
‘તેમણે આફ્રિકાના માલાવીમાં 18 વર્ષની ઉંમરે બિઝનેસ શરૂ કર્યો હતો ત્યારે જ તેમનામાં ઉદ્યોગસાહસિકતાનો જુસ્સો શરૂઆતમાં જ જોવા મળ્યો હતો. પછી તેઓ મારી સાથે 1974માં કેલિફોર્નિયામાં પોમોનામાં મોટેલ બિઝનેસમાં જોડાયા, જ્યાં અમે સાઉથ ઇસ્ટમાં અનેક હોટેલ્સ શરૂ કરીને બિઝનેસ વધાર્યો હતો. તેમણે મોટી સફળતા મેળવી હોવા છતાં, તેમના માટે કોઇ કાર્ય નાનું નહોતું, તેઓ ઘણીવાર અમારી હોટેલ્સમાં પથારી કરતા અથવા સમારકામ કરતા હતા.’
ઓરો હોટેલ્સના ડાયરેક્ટર ઓફ કમ્યુનિકેશન્સ હીથર મીડોર્સ વ્હિટલીએ જે.પી રામા સાથેના સંસ્મરણો વાગોળતા જણાવ્યું હતું કે, જેએચએમ અને ઓરો હોટેલ્સમાં જેપી રામાનું કામ એકાઉન્ટિંગ, ખરીદી અને સંચાલન વગેરે કેન્દ્રિત હતું. તેઓ વિશ્વભરના ગ્રાહકો, વેન્ડર્સ અને સાથીઓ સાથે ગુણવત્તાયુક્ત સંબંધો બનાવતા હતા. જેપી ખર્ચ પ્રત્યેની સભાનતા માટે માટે જાણીતા હતા, અને સંસ્થામાં કાર્યક્ષમતા સુધારવા માટે હંમેશા પ્રયત્નશીલ રહેતા હતા. તેમને તેના સાથીઓ માટે ઘણી અપેક્ષાઓ હતી, અને તેઓ સતત પ્રોત્સાહકની ભૂમિકા ભજવતા હતા. તેમને તેમના સકારાત્મક દૃષ્ટિકોણ, હૂંફ અને માર્ગદર્શક તરીકે તેમની સાથે કામ કરનારા લોકો દ્વારા યાદ કરવામાં આવે છે.
મેરિઅટ હોટેલ્સના પ્રેસિડેન્ટ લિયામ બ્રાઉને જણાવ્યું હતું કે, ‘જેપીને આહોઆમાં તેમના યોગદાન, પ્રમાણિકતા, એકતા અને પરિવાર પ્રત્યેની પ્રતિબદ્ધતા માટે હંમેશા યાદ કરાવામાં આવશે. જેપી રામા એક સાચા લીડર હતા. તેઓ અને તેમના ભાઈઓ એચપી અને એમપી આપણા બધા માટે આદર્શ ઉદાહરણ છે. તેમણે સખત મહેનત કરી અને ઘણી બાબતો પૂર્ણ કરી છે.’ જેપી રામાએ ડઝનેક બિન-નફાકારક સંસ્થાઓને નોંધપાત્ર દાન આપ્યું છે, ખાસ તો જે શહેરોમાં ઓરો હોટેલ્સ કાર્યરત છે ત્યાં શિક્ષણ અને ગરીબી નિવારણમાં સહાય કરે છે. વધુમાં, તેમણે તેમના કર્મચારીઓમાં સ્વયંસેવિતાને પ્રોત્સાહન આપીને, સંસ્થાને પરત કરવાની સંસ્કૃતિ ઊભી કરી છે.
તેમના પરિવારજનોએ ફુલોના બદલે જેપીના દિલની નજીક એક સ્મારક બનાવવા માટે વિનંતી કરી છે. આ માટે સાઉથ કેરોલીનામાં ફાઉન્ટેન ઇનના શ્રી અરબિંદો ઇન્ટીગ્રલ લાઇફ સેન્ટર ખાતે અથવા મૌલદિનમાં વેદિક સેન્ટર ઓફ ગ્રીનવિલેમાં આ સ્મારક બને તેવી ઇચ્છા વ્યક્ત કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, સરોણામાં જન્મેલા જેપી રામા 1970ના દાયકાની શરૂઆતમાં અમેરિકા આવ્યા હતા અને પોતાના ભાઇ-એચપી રામા સાથે બિઝનેસમાં જોડાયા હતા, તેમણે 1973માં કેલિફોર્નિયાના પાલોમામાં સનસેટ મોટેલ ખરીદી હતી. પછી એચ.પી અને જે.પીની સાથે તેમના બીજા બે ભાઇઓ બિઝનેસમાં જોડાયા હતા, અને તેમણે જેએચએમ હોટેલ્સની સ્થાપના કરી હતી. સમયાંતરે તેમણે અમેરિકાના સાત રાજ્યો અને ભારતમાં 7200 રૂમ્સ સાથે 40 હોટેલ્સ ઊભી કરી હતી.
રામા પરિવાર અને જેએચએમ હોટેલ્સની સફળતાએ, અનેક રીતે, અમેરિકામાં એશિયન હોટેલીયર્સ અને ખાસ તો મોટા ફ્રેન્ચાઇઝ હોટેલ્સ ગ્રૂપના દૃષ્ટિકોણને બદલ્યો છે. તેમની સફળતા અને વ્યવસાયીકરણે એ સ્પષ્ટ દર્શાવ્યું હતું કે, એશિયન સમૂદાય સાથે એક તાકાત હતી અને તેમણે અન્ય એશિયન હોટેલીયર્સ માટે તેમના પોર્ટફોલિયોને અનુસરવા અને વિસ્તૃત કરવાનો માર્ગ ખોલ્યો હતો.
વર્ષ 2017માં, રામા બંધુઓ તેમની ભાગીદારીનો અંત લાવ્યા અને જેએચએમ હોટેલ્સનું ચાર નવી કંપનીઓ- ઓરો હોટેલ્સ ઓફ ગ્રીનવિલે, સિમા હોટેલ્સ એલએલસી ઓફ ઓર્લાન્ડો-ફ્લોરિડા, સરોણા હોલ્ડિંગ્સ ઓફ ઓર્લાન્ડો અને સિદ્ધિ હોટેલ ગ્રૂપ ઓફ ગ્રીનવિલેમાં વિભાજન કર્યું હતું. જેપીએ પછી ઓરો હોટેલ્સના સંચાલનમાં નેતૃત્વ કર્યું હતું.