રશિયા વિરુદ્ધના યુએનની સિક્યોરિટી કાઉન્સિલના ઠરાવમાં ભારત, ચીન અને UAE મતદાનથી વિમુખ રહ્યાં રહ્યાં હતા. યુક્રેન સામે આક્રમણ બદલ શનિવારે રશિયા વિરુદ્ધ રજૂ કરવામાં આવેલા ઠરાવને અમેરિકા, યુકે, ફ્રાન્સ, નોર્વે, આયરલેન્ડ, અલ્બાનિયા, ગેબોન, મેક્સિકો, બ્રાઝિલ, ઘાના અને કૈન્યા સહિતના 11 દેશોએ સમર્થન આપ્યું હતું. રશિયાએ આ ઠરાવ સામે વીટો વાપર્યો હતો. જોકે પશ્ચિમના દેશો માટે સારી બાબત એ રહી હતી કે ચીને આ ઠરાવ વખતે મતદાન કર્યું ન હતું, પરંતુ ઠરાવનો વિરોધ કર્યો ન હતો.

આખરે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારત માટે એ ઘડી આવી ગઈ હતી. જ્યારે તેણે અમેરિકા અને રશિયામાંથી કોઈ એકનો સાથ આપવાનો હતો. યુક્રેન પર હુમલો કરવાને કારણે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં રશિયા વિરુદ્ધ ઠરાવ રજૂ કરવામાં આવ્યો, જેના પર તમામ દેશોએ મતદાન કરવાનુ હતું. ભારતે રશિયા દ્વારા કરવામાં આવેલા હુમલાની નિંદા તો કરી હતી, પરંતુ મતદાનમાં ભાગ ન લીધો. ભારત માટે આ નિર્ણય ઘણો મુશ્કેલ હશે, કારણકે એક બાજુ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ વાળું મિત્ર અમેરિકા છે અને બીજી તરફ વર્ષો જૂનું મિત્ર રશિયા છે. ઉલ્લેખનીય છે કે ભારતની સાથે સાથે ચીન અને યુએઈએ પણ વોટિંગમાં ભાગ લીધો ન હતો.

સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ ટીએસ તિરુમૂર્તિએ ભારત તરફથી પક્ષ રજૂ કર્યો હતો. તેમણે કહ્યું કે તમામ સભ્ય દેશોએ રચનાત્મક રીતે આગળ વધવા માટે આ સિદ્ધાંતોનું સન્માન કરવાની જરૂર છે. મતભેદો અને વિવાદોના નિરાકરણ માટે વાતચીત જ એકમાત્ર રસ્તો છે, જો કે અત્યારે તે મુશ્કેલ લાગી રહ્યું છે. આ દુખની વાત છે કે કૂટનીતિનો રસ્તો છોડી દેવામાં આવ્યો છે. આપણે તેના પર પાછા ફરવાની જરૂર છે. આ તમામ કારણોસર ભારતે આ પ્રસ્તાવથી દૂર રહેવાનો વિકલ્પ પસંદ કર્યો છે.

તેમણે વધુમાં જણાવ્યું કે, યુક્રેનની વર્તમાન સ્થિતિને કારણે ભારત પણ ચિંતિત છે. અમે આગ્રહ કરીએ છીએ કે હિંસા અને શત્રુતાનો તાત્કાલિક અંત લાવવો જોઈએ અને તે માટે શક્ય તમામ પ્રયાસો કરવા જોઈએ. માનવ જીવનની કિંમત પર ક્યારેય પણ સમાધાન ન થઈ શકે. અમે ભારતના લોકોના કલ્યાણ અને સુરક્ષા માટે પણ ચિંતિત છીએ, જેમાં યુક્રેનમાં મોટી સંખ્યામાં ભારતીય વિદ્યાર્થીઓ પણ સામેલ છે.રશિયાએ પોતાના વિરુદ્ધના ઠરાવને નકારી દીધો હતો. રશિયાએ કહ્યું કે આ ઠરાવ રશિયા વિરોધી છે.