ભારતના વિદ્યાર્થીઓએ મેડિકલ અભ્યાસ માટે વિદેશમાં જવું પડતું હોવા માટે અગાઉની સરકારોને જવાબદાર ઠેરવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે તેમની સરકાર મેડિકલ કોલેજની સંખ્યામાં વધારો કરવાની કામગીરી કરી છે, જેથી વિદ્યાર્થીઓ દેશમાં જ અભ્યાસ કરી શકે.
યુદ્ધગ્રસ્ત યુક્રેનમાંથી સ્વદેશ પરત આવેલા વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરતા મોદીએ તેમની સામે રોષ ઠાલવારા વિદ્યાર્થીઓ અને તેમના પરિવારો પ્રત્યે પણ સહાનુભૂતિ વ્યક્ત કરી હતી. મોદીએ જણાવ્યું હતું કે આ કટોકટીમાં ગુસ્સો આવવો તે સ્વભાવિક છે. તેમણે અનેક મુશ્કેલીઓ અને કાતિલ ઠંડીનો સામનો કર્યો છે. તેમનો ગુસ્સો શાંત થશે અને રેસ્ક્યૂ અભિયાન કેટલું મોટું છે તેની સમજ પડશે ત્યારે તેઓ પણ તેમનો સ્નેહ વ્યક્ત કરશે.
વડાપ્રધાને જણાવ્યું હતું કે જો અગાઉની મેડિકલ શિક્ષણ નીતિ યોગ્ય હોત તમારે વિદેશ જવું પડ્યું ન હતો. આવી નાની ઉંમરે કોઇ માતાપિતા પોતાના સંતાનોને વિદેશ મોકલવા માગતા હોતા નથી. તેમની સરકાર ભૂતકાળની ભૂલો સુધરવાની કામ કરી રહી છે. અગાઉ 300થી 400 મેડિકલ કોલેજો હતી અને હવે તે સંખ્યા વધીને આશરે 700 થઈ છે. મેડિકલ સીટોની સંખ્યા પણ અગાઉની 80,000-90,000થી વધીને 1.5 લાખ થઈ છે. મારો પ્રયાસ દરેક જિલ્લામાં એક મેડિકલ કોલેજની સ્થાપના કરવાનો છે. કદાચ આગામી 10 વર્ષમાં છેલ્લાં 70 વર્ષ કરતાં વધુ વિદ્યાર્થીઓ ડોક્ટર બનશે.