યુક્રેનમાં રશિયાના આક્રમણને પગલે નાગરિકો પેટ્રોલ બોંબ ફેંકીને રશિયાના સૈનિકોને જોરદાર લડત આપી રહ્યાં છે. March 1, 2022. REUTERS/Viacheslav Ratynskyi

દક્ષિણ યુક્રેનમાં રશિયાના લશ્કરી દળો આગેકૂચ કરી રહ્યાં છે ત્યારે યુક્રેનના સત્તાવાળાએ રશિયાના દળો વિરુદ્ધ ગેરિલા યુદ્ધ શરૂ કરવાની હાંકલ કરી છે. ઓનલાઇન વીડિયો મેસેજમાં યુક્રેનના પ્રેસિડન્ટના સહાયક ઓલેકસી એરેસ્ટોવિચે વૃક્ષો કાપીને અવરોધ ઊભા કરવાની તથા રશિયાના દળોની પાછળની હરોળનો નાશ કરવાની હાંકલ કરી છે.

તેમણે જણાવ્યું હતું કે અમે લોકોને દુશ્મને કબજે કરેલા વિસ્તારોમાં તેમના સંપૂર્ણ વિરોધ શરૂ કરવાનો અનુરોધ કરીએ છીએ. રશિયાની આર્મીનું નબળું બાજુ તેની પાછળની હરોળ છે. જો આપણે અત્યારે તેમને આગ ચાંપીએ અને પાછળની હરોળની બ્લોક કરી દઇશું તો ગણતરીના દિવસોમાં યુદ્ધ બંધ થઈ જશે.

તેમણે જણાવ્યું હતું કે આવી યુક્તિઓનો યુક્રેનના ઉત્તર ભાગમાં આવેલા કોનોટોપ અને એઝોવ સમુદ્ર નજીકના મેલિટોપોલમાં ઉપયોગ થઈ રહ્યો છે. આ બંને વિસ્તારો હાલમાં રશિયાના કબજા હેઠળ છે. તેમણે નાગરિકોને શહેરોમાં અવરોધ ઊભા કરવાની, યુક્રેનના રાષ્ટ્રધ્વજ સાથે રેલી કાઢવાની અને ઓનલાઇન નેટવર્કિંગ ગ્રૂપ ઊભું કરવાની અપીલ કરી છે. ‘સંપૂર્ણ પ્રતિકાર’..આપણું ટ્રમ્પકાર્ડ છે અને વિશ્વમાં આવું આપણે શ્રેષ્ઠ રીતે કરીએ શકીએ છીએ. તેમણે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન નાઝીઓએ કબજા હેઠળ થયેલા યુક્રેનના ગેરિલા વોરની યાદ અપાવી હતી.