ન્યૂઝીલેન્ડમાં ગયા સપ્તાહથી શરૂ થયેલી મહિલા વન-ડે વર્લ્ડ કપ ક્રિકેટમાં ભારતીય ટીમે તેના પહેલા મુકાબલામાં પાકિસ્તાનને રવિવારે 107 રને હરાવ્યું હતું. મિતાલી રાજના સુકાનીપદે ભારતે પહેલા બેટિંગ કરતાં 244 રનનો પડકારજનક સ્કોર કર્યો હતો. ભારત પૂજા વસ્ત્રાકર અને સ્નેહ વર્માએ સાતમી વિકેટની સદીની ભાગીદારી કરી હતી અને ભારતને સંતોષકારક સ્કોરે પહોંડ્યું હતું. ઓપનર સ્મૃતિ મંધાનાએ 52, દીપાલી શર્માએ 40, સ્નેહ રાણાએ અણનમ 53 તથા પૂજા વસ્ત્રાકરે 67 રનની ધમાકેદાર ઈનિંગ રમી ભારતને 7 વિકેટે 244નો જંગી જુમલો ખડકવામાં મદદ કરી હતી. એક તબક્કે ભારતે 114 રનમાં છ વિકેટ ગુમાવી દીધી હતી.
પાકિસ્તાન તરફથી પાંચેય બોલર્સને – નિદા દાર તથા નાશરા સંધુને બે-બે તથા ડાયેના બેગ, અનામ અમિન અને ફાતિમા સનાને એક-એક વિકેટ મળી હતી.જવાબમાં પાકિસ્તાનની શરૂઆત તો થોડી સારી રહી હતી પણ પછી નિયમિત અંતરે વિકેટ પડતી રહી હતી. ઓપનર સિદ્રા અમીનના 30 અને ડાયેના બેગના 24 બેસ્ટ સ્કોર હતા, તો ભારત તરફથી રાજેશ્વરી ગાયકવાડે ચાર, ઝુલન ગોસ્વામી અને સ્નેહ રાણાએ બે-બે તથા મેઘના સિંઘ અને દીપ્તિ શર્માએ એક-એક વિકેટ ઝડપી હતી. પૂજા વસ્ત્રાકરને પ્લેયર ઓફ ધી મેચ જાહેર કરાઈ હતી.