યુક્રેનમાં ફસાયેલા ભારતીય નાગરિકોને પરત લાવવા માટેના ઓપરેશન ગંગાના અંતિમ તબક્કાનો રવિવારે પ્રારંભ થયો છે. યુક્રેન ખાતેના ભારતના દૂતાવાસે ભારતના વિદ્યાર્થીઓને સવારે 10 વાગ્યાથી અને બપોર સુધીમાં હંગેરીની રાજધાની બડાપેસ્ટના હંગેરિયા સિટી સેન્ટર પહોંચવાની સૂચના આપી હતી. યુક્રેન પર રશિયાના આક્રમણ પછી દેશના નાગરિકોને પરત લાવવા માટે ભારતે શરૂ કરેલા ઓપરેશન ગંગા હેઠળ અત્યાર સુધી 76 ફ્લાઇટ્સમાં કુલ આશરે 15,920 લોકોને દેશમાં પરત લાવવામાં આવ્યા છે, એમ અધિકારીએ રવિવારે જણાવ્યું હતું.
રવિવારે દૂતાવાસે ટ્વીટ કરીને યુક્રેનમાં હજુ પણ ફસાયેલા ભારતના નાગરિકોને તાકીદના ધોરણે નામ, પાસપોર્ટ નંબર, હાલ કઈ જગ્યાએ છે તે અંગેની માહિતી આપીને એક ફોર્મ ભરવાનો અનુરોધ કર્યો હતો. દૂતાવાસના સત્તાવાર ટ્વીટર એકાઉન્ટમાં ફોર્મ પણ આપવામાં આવ્યું છે. દૂતાવાસે સુરક્ષિત અને મજબૂત રહેવાની પણ અપીલ કરી હતી. યુક્રેનના વોર ઝોનમાં હજુ પણ સેંકડો વિદ્યાર્થીઓ ફસાયેલા છે. સરકારે શુક્રવારે જણાવ્યું હતું કે લોકો માટે બસની વ્યવસ્થા કરવાનો હાલમાં સૌથી મોટો પડકાર છે.
વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે પિસોચીન અને ખારકીવમાંથી અમે આગામી થોડા કલાકમાં તમામ લોકોને પરત લાવી શકીશું. અત્યાર સુધી તમામ ભારતીયોએ ખારકીવ છોડી દીધું છે. હવે સુમી પર મુખ્ય ફોકસ છે. હિંસા અને પરિવહનના અભાવને કારણે પડકાર છે અને શ્રેષ્ઠ વિકલ્પ યુદ્ધવિરામ છે.
ભારત યુક્રેનમાં ફસાયેલા લોકોને રોમાનિયા, પોલેન્ડ, હંગેરી, સ્લોવાકિયા અને મોલ્ડોવાથી પરત લાવી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં આશરે 2,500 ભારતીયોને સ્વદેશ પરત લાવવામાં આવ્યા હતા તથા હંગેરી, રોમાનિયા અને પોલેન્ડથી આગામી 24 કલાકમાં વધુ સાત ફ્લાઇટમાં ભારત આવશે.
અત્યાર સુધી ઓપરેશન ગંગા હેઠળ 76 ફ્લાઇટમાં આશરે 15,920 લોકોને પરત લાવવામાં આવ્યા છે. આ 76 ફ્લાઇટમાંથી 13 ફ્લાઇટ છેલ્લાં 24 કલાકમાં આવી હતી. યુક્રેનમાં યુદ્ધ ચાલુ થયું તે પહેલાથી અત્યાર સુધી આશરે 21,000 ભારતીય નાગરિકોએ યુક્રેન છોડી દીધું છે. આમાંથી 19,920 લોકો ભારતમાં આવી ચુક્યા છે.