ઉત્તરપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી જેવા ઘણા જાણીતા પક્ષો કરતા NOTA (એક પણ ઉમેદવાર પસંદ નથી) વધુ મત પડ્યા હતા. રાજ્યમાં ઓવૈસીની પાર્ટી, સીપીઆઇ, એલજેપી, શિવસેના, ઓલ ઇન્ડિયા ફોરવર્ડ બ્લોક, ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ અને એલજેપી કરતા નોટાના વધુ મત પડ્યા હતા.
રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં નોટોનો મતહિસ્સો 0.69 ટકા રહ્યો હતો, જે આપના 0.35 ટકા અને જેડીયુ-ના 0.11 ટકાના મતહિસ્સા કરતાં વધુ છે. અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIMને 0.47 ટકા મત મળ્યા હતા. સીપીઆઇનો મતહિસ્સો માત્ર 0.07 ટકા રહ્યો હતો, જ્યારે એનસીપીનો મતહિસ્સો 0.05 ટકા રહ્યો હતો. શિવસેનાને 0.03 ટકા મત મળ્યા હતા. સીપીઆઇ (એમ), સીપીઆઇ (એમએલ) અને એલજેપી (આરવી)નો મતહિસ્સો 0.01 ટકા રહ્યો હતો.
ચૂંટણીપંચની વેબસાઇટમાં જણાવ્યા મુજબ ઓલ ઇન્ડિયા ફોરવર્ડ બ્લોક, ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ અને એલજેપીને એકપણ મત મળ્યો નથી અને તેમનો મતહિસ્સો 0.00 ટકા રહ્યો હતો.
રાજ્યમાં ભાજપને 41.6 ટકા મત મળ્યા હતા, જ્યારે સમાજવાદી પાર્ટીને 32 ટકા મત મળ્યા હતા. બીએસપીને 12.9, રાષ્ટ્રીય લોકદળ (આરએલડી)ને 3.02 ટકા મત મળ્યા હતા, જ્યારે કોંગ્રેસને માત્ર 2.28 ટકા મત મળ્યા હતા.