પંજાબ વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ભવ્ય વિજય બાદ દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે પંજાબના ભાવિ મુખ્યપ્રધાન ભગવંત માન સાથેનો આ ફોટો ટ્વીટ કર્યો હતો. (ANI Photo)

પંજાબની ચૂંટણીમાં આમ આદમીની સુનામી આવી હતી અને તેનાથી જાણીતા દિગ્ગજો ધરાશાયી થયા હતા. રાજ્યની કુલ 117 બેઠકોમાંથી અરવિંદ કેજરીવાલની પાર્ટીનો 92 બેઠકો પર વિજય થયો છે. આપના સપાટામાં કોંગ્રેસ અને શિરોમણી અકાલી દળનો માત્ર સફાયો જ થયો નથી, પરંતુ સીએમ ચરણજિત સિંહ ચન્ની, પ્રકાશ સિંહ બાદલ, સુખબિર સિંહ બાદલ, નવજોત સિંહ સિદ્ધુ અને કેપ્ટન અમરિંદર સિંહ જેવા દિગ્ગજોનો પોતાની બેઠકો પર પરાજય થયો છે.
આપને ત્રણ ચર્તુથાંશ બેઠકો મળી છે, જ્યારે કોંગ્રેસને 18, એસએડીને 3, ભાજપને 2 અને બીએસપીને 1 બેઠક મળી છે. એક બેઠક અપક્ષને મળી છે. હવે દિલ્હી સિવાય આપ દેશના બીજા રાજ્યમાં સરકારની રચના કરશે.

ચન્ની બંને બેઠકો પરથી હારી ગયા હતા. બદૌર બેઠક પર આપના લાભ સિંહે ઉગોકે ચન્નીને 37,558 મતથી પરાજય આપ્યો હતો. ચમકૌર સાહિબ બેઠકથી પણ તેમનો આપના ઉમેદવાર ચરણજિત સિંહે 7,942 મતથી પરાજય થયો હતો.

શિરોમણી અકાલી દળના પીઢ નેતા અને ભૂતપૂર્વ મુખ્યપ્રધાન પ્રકાશ સિંહ બાદલનો તેમની પરંપરાગત લામ્બી બેઠક પર 11,396 મતથી પરાજય થયો હતો. આ બેઠક પર આપના ઉમેદવાર ગુરમીત સિંહ ખુદિયાનનો વિજય થયો હતો. સુખબિર સિંહ બાદલ જલાલાબાદ બેઠક પરથી આપના ઉમેદવાર જગદીશ કમ્બોજ સામે 30,930 મતે પરાજય થયો હતો. પટિયાલા (અર્બન) બેઠક પર 70 વર્ષીય અમરિંદર સિંહ સામે આપના ઉમેદવાર અજિત પાલ સિંહ કોહલીનો 19,873 મતથી વિજય થયો હતો.