રશિયામાં બિઝનેસ બંધ કરવાની જાહેરાત કરનારી અમેરિકાની અને આંતરાષ્ટ્રીય કંપનીઓની એસેટ ટાંચમાં લેવા સામે અમેરિકાએ રશિયાને ચેતવણી આપી છે. યુક્રેન પર રશિયાના આક્રમણને પગલે અમેરિકા અને બીજા ઘણા દેશોની કંપનીઓએ રશિયામાં બિઝનેસ બંધ કર્યો છે અથવા રશિયાના બજારમાંથી નીકળી જવાની જાહેરાત કરી છે. રશિયાએ આવી કંપનીઓની મિલકતોનું રાષ્ટ્રીયકરણ કરવાની દરખાસ્ત કરી હોવાના અહેવાલ આવ્યા છે.
વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી જેન સાકીએ ગુરુવારે આ અંગેના એક પ્રશ્નના જવાબમાં ટ્વીટર પર જણાવ્યું હતું કે આવું પગલું રશિયાને 1917ના સમયગાળામાં પરત જઈ જશે અને રશિયાએ ઘણા દાયકા સુધી રોકાણકારોના અવિશ્વાસનો સામનો કરવો પડશે. રશિયાએ એવી કંપનીઓના કાનૂની દાવાનો પણ સામનો કરવો પડશે કે જેમની સંપત્તિ જપ્ત થઈ છે.
તેમણે જણાવ્યું હતું કે રશિયાના બિઝનેસના ભાવિ અંગે આકરા નિર્ણયો કરનારી અમેરિકાની કંપનીઓના પડખે અમેરિકાની સરકાર ઊભી રહેશે.
રશિયાના વર્તમાનપત્રમાં ગુરુવારે અહેવાલ આવ્યા હતા કે યુક્રેનમાં યુદ્ધને કારણે રશિયામાં બિઝનેસ બંધ કરવાની જાહેરાત કરનારી વિદેશી કંપનીઓના રાષ્ટ્રીયકરણની દરખાસ્ત અંગે રશિયાની સરકાર અને જનરલ પ્રોસેક્યુટર્સની ઓફિસ વિચારણા કરી રહી છે. આવી કંપનીઓની સંખ્યા આશરે 60 છે, જેમાં આઇકિયા, મેકડોનાલ્ડ્સ, એપલ, માઇક્રોસોફ્ટ, આઇબીએમ અને પોર્સે સહિતની કંપનીઓનો સમાવેશ થાય છે.
અહેવાલમાં જણાવાયું છે કે સરકારના કેટલાંક અધિકારીઓ સાવધ વલણ રાખવાનો અનુરોધ કરી રહ્યાં છે. એક નિષ્ણાતે આવા ઉતાવળા પગલાં ન લેવાની સલાહ આપતા જણાવ્યું છે કે આવી કેટલીક કંપનીઓ તેમની સરકારના દબાણને કારણે નિર્ણય કરી રહી છે અને એવું તારણ કાઢવાનું ખોટું છે કે આ કંપનીઓએ હંમેશને માટે રશિયાના દ્વાર બંધ કરી દીધા છે.