(istockphoto)

અમેરિકાના પ્રતિનિધિ ગૃહમાં પાકિસ્તાનને ત્રાસવાદ પ્રોત્સાહિત કરતો દેશ જાહેર કરવાની માગણી કરતું એક બિલ રજૂ થયું છે. પાકિસ્તાનના ‘આતંકી કૃત્યો પર પ્રતિબંધ’ નામનુ આ બિલ રિપબ્લિકશન સાંસદ સ્કોટ પેરીએ રજૂ કર્યું છે. આ બિલ હવે વિદેશી બાબતો અંગેની ગૃહની સમિતિને સોંપવામાં આવ્યું છે, એમ પાકિસ્તાનના વર્તમાનપત્ર ડોનના એક અહેવાલમાં જણાવાયું છે.

જો આ બિલને બહાલી મળશે તો પાકિસ્તાન પર સંખ્યાબંધ પ્રતિબંધો આવી શકે છે. પાકિસ્તાન માટેની વિદેશી સહાય બંધ થશે, સંરક્ષણ નિકાસ પર પ્રતિબંધ આવશે તથા બેવડા ઉપયોગની આઇટમની નિકાસ પર અંકુશ આવશે.
આ બિલમાં જણાવાયું છે કે આ ધારો ઘડવામાં આવ્યાની તારીખના 30 દિવસમાં ઇસ્લામિક પ્રજાસત્તાક પાકિસ્તાનને એવો દેશ માનવામાં આવશે કે જેને આંતરરાષ્ટ્રીય ત્રાસવાદને સતત સમર્થન આપ્યું છે. અમેરિકાના વિદેશ પ્રધાન આ અંગેનો નિર્ણય કરશે. આ બિલમાં કેટલાંક પ્રતિબંધોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જે મુજબ અમેરિકાની સરકાર સીધી કે આડકતરી રીતે પાકિસ્તાનને મિલિટરી આઇટમની નિકાસ કરી શકશે નહીં અથવા તેને વેચાણ તરીકે, ભાડાપટ્ટે આપી શકશે નહીં. આ ઉપરાંત લોન, ગ્રાન્ટ કે બીજા કોઇ માધ્યમથી આવી આઇટમ પૂરી પાડી શકશે નહીં.
અમેરિકાએ અત્યાર સુધી ત્રાસવાદના પ્રાયોજિત દેશ જાહેર કર્યા હોય તેવા દેશોમાં ક્યુબા, નોર્થ કોરિયા, ઇરાન અને સીરિયાનો સમાવેશ થાય છે.

પાકિસ્તાનના અમેરિકા ખાતેના રાજદૂત મસૂદ ખાનના ત્રાસવાદી સંગઠનો સાથેના સંબંધો અંગેના આક્ષેપની તપાસ કરવા માટે અમેરિકાના બીજા બે સાંસદોએ પણ માગણી કરી છે. સ્કોટ પેરીએ આ આક્ષેપના બીજા દિવસે અમેરિકાના પ્રતિનિધિ ગૃહમાં આ બિલ રજૂ કર્યું છે. 9 માર્ચે સ્કોટ તથા ગ્રેગરી સ્યુબે અને મેરી મિલરે અમેરિકાના એટર્ની જનરલ મેરિક ગાર્લેન્ડને પત્ર લખીને દાવો કર્યો હતો કે રાજદૂત મસૂદ ખાનના ત્રાસવાદી સંગઠનો સાથેના ગાઢ સંબંધો ચિંતાનું કારણ છે.