આસામ અને મેઘાલયે તેમની વચ્ચેના આશરે પાંચ દાયકા જુના સીમા વિવાદનો અંત લાવવાનો મંગળવારે ઐતિહાસિક નિર્ણય કર્યો છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે આ સમજૂતીને ઉત્તરપૂર્વ માટે ઐતિહાસિક દિવસ ગણાવ્યો હતો. બંને રાજ્યો વચ્ચે કુલ 12 સ્થળોએ સીમા વિવાદ છે અને તેના કારણે બંને વચ્ચે ઘણીવાર તંગદિલી પણ ઊભી થઈ ચુકી છે.
અમિત શાહની હાજરીમાં આસામના મુખ્યપ્રધાન હિમંત બિસ્વા શર્મા અને મેઘાલયના મુખ્યપ્રધાન કોનરાડ સંગમાએ આ સમજૂતી પર હસ્તાક્ષર કર્યા હતા. આ સમજૂતીથી બંને રાજ્યો વચ્ચેની 884.9 કિમી લાંબી સીમા પરના કુલ 12માંથી 6 વિવાદનો ઉકેલ આવશે.
દિલ્હીમાં ગૃહમંત્રાલયમાં યોજાયેલા એક કાર્યક્રમમાં અમિત શાહે જણાવ્યું હતું કે બંને રાજ્યો વચ્ચે 70 ટકા સીમા વિવાદનો ઉકેલ આવ્યો છે. બાકીના છ સ્થળો પરના વિવાદનો પણ ટૂંકસમયમાં ઉકેલ આવે તેવી આશા છે. આ સમજૂતીથી આસામ અને મેઘાલયમાં શાંતિ, સૌહાર્દ અને પ્રગતિના નવા યુગનો ઉદય થશે. આસામની આશરે 2,743 કિમી લાંબી સરહદો મણીપુર, મિઝોરમ, ત્રિપુરા, મેઘાયલ, અરુણાચલપ્રદેશ, નાગાલેન્ડ અને પશ્ચિમ બંગાળ સાથે છે. આસામની તેની સીમા અંગે નાગાલેન્ડ, મિઝોરમ, મેઘાલય અને અરુણાચલપ્રદેશ સાથે વિવાદ છે. જુલાઈ 2021માં આસામના કછાર જિલ્લામાં આસામ અને મિઝોરમના પોલીસ જવાનો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી, જેમાં આસામના છ પોલીસ જવાનોના મોત થયા હતા અને કેન્દ્ર સરકારે દરમિયાનગીરી કરવી પડી હતી.