વિશ્વમાં 2021ના વર્ષમાં ઇન્વેસ્ટમેન્ટ માઇગ્રેશનમાં ભારતના નાગરિકો અવ્વલ રહ્યાં છે. ઇન્વેસ્ટમેન્ટ માઇગ્રેશન એટલે ધનિક રોકાણકારો દ્વારા કોઇ દેશમાં નોંધપાત્ર રોકાણના બદલામાં તે દેશની લેવામાં આવતી વૈકલ્પિક સિટિઝનશીપ અથવા વધારાની સિટિઝનશીપ. તેને ગોલ્ડન વિઝા પણ કહેવામાં આવે છે.
હેન્લી એન્ડ પાર્ટનરે જારી કરેલા હેન્લી ગ્લોબલ સિટિઝન્સ રિપોર્ટમાં આ હકીકત બહાર આવી છે. છેલ્લાં બે વર્ષમાં ત્રણ Cs વેલ્થ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ માઇગ્રેશનને વેગ આપી રહ્યાં છે, જેમાં કોરોના, ક્લાઇમેટ ચેન્જ અને ક્રિપ્ટોકરન્સીનો સમાવેશ થાય છે. 2022માં ચોથો C અચાનક મુખ્ય પરિબળ બન્યો છે, જે યુરોપના કોન્ફિક્ટ સંકેત આપે છે.
રીપોર્ટમાં બહાર આવ્યું છે કે 2021માં કંપનીને ઇન્વેસ્ટમેન્ટ માઇગ્રેશન માટે મળેલી ઇન્ક્વાયરીમાં ભારતના નાગરિકો મોટા માર્જિન સાથે ટોચ પર રહ્યાં છે. ભારતીય નાગરિકોની આવી ઇન્ક્વાયરીમાં 2020ની સરખામણીમાં 54 ટકાની વૃદ્ધિ થઈ હતી. હકીકતમાં 2020ના વર્ષમાં પણ આવી ઇન્ક્વાયરીમાં 63 ટકાનો વધારો થયો હતો. બીજા ક્રમે અમેરિકાના નાગરિકો રહ્યાં છે. 2021માં તેમની આવી ઇન્ક્વાયરીમાં 26 ટકાનો વધારો થયો છે. 2020માં અમેરિકાના નાગરિકોની આવી ઇન્ક્વાયરીમાં 208 ટકાનો જંગી ઉછાળો આવ્યો હતો. 2021માં બ્રિટન અને સાઉથ આફ્રિકાના નાગરિકોની ઇન્ક્વાયરીમાં અનુક્રમે 110 ટકા અને 38 ટકાનો વધારો થયો હતો.
વિદેશમાં રોકાણ કરવાથી મળતા ફાયદા ઉપરાંત પણ બીજી ઘણી સુવિધાઓ મળતી હોય છે તેનાથી તેઓ આકર્ષાય છે. ઘનાઢય લોકો પોતાના ભવિષ્યને લઇને રોકાણના નવા વિકલ્પો શોધી રહયા છે.
એક માહિતી મુજબ ભારતમાં 2016 થી 2021 સુધીમાં આઠ લાખથી વધુ ભારતીયો પોતાનું નાગરિકત્વ છોડીને વિદેશી નાગરિકત્વ અપનાવી લીધું છે. ડિસેમ્બર 2021 સુધીમાં સૌથી વધુ 42 ટકા ભારતીયોએ અમેરિકાનું નાગરિકત્વ મેળવ્યું હતું.
2017 થી 2021 સુધીમાં 91 હજાર લોકો ભારત છોડીને કેનેડા અને 86 હજારથી ઓસ્ટ્રેલિયા, 66 હજારથી વધુ ઇગ્લેન્ડ અને 23000થી વધુ લોકો ઇટલી જવાનું પસંદ કર્યુ હતું.ભારતના પરિવારો માટે કેનેડા અને અમેરિકા લોકપ્રિય એજ્યુકેશન હબ છે, પરંતુ હવે યુરોપની પણ વિચારણા થવા લાગી છે. હકીકતમાં ગ્રીસ, માલ્ટા, પોર્ટુગલ અને બીજા ગોલ્ડ વિઝા પ્રોગ્રામ જેવા ઇન્વેસ્ટમેન્ટ માઇગ્રેશન પ્રોગ્રામ દ્રારા યુરોપિયન રેસિડેન્સમાં છેલ્લાં કેટલાંક વર્ષમાં મોટો વધારો થયો છે.
રિટાર્યમેન્ટ કે વેકેશન હોમ કે બિઝનેસ કરવા અને લાઇફસ્ટાઇલ બેનિફિટ માટે યુરોપના દેશોની પણ વિચારણા થવા લાગી છે. સાઇપ્રસ અને ગ્રીસની અગ્રણી પ્રોપર્ટી ડેવલપર લેપટોસ એસ્ટેટના ડેટા મુજબ સાઇપ્રસના લિમાસોલ માટે ભારતીય બાયર્સની ઇન્ક્વાયરી 70 ટકા રહી હતી.