વર્ષ 2011માં ફિલ્મ રોકસ્ટારમાં રણબીર કપૂરની સાથે મુખ્ય ભૂમિકા ભજવીને નરગિસ ફખરીએ બોલિવૂડમાં પદાર્પણ કર્યુ હતું. બોક્સઓફિસ પર આ ફિલ્મ સુપરહિટ રહેતા નરગિસ ફખરીની ડીમાન્ડ વધી હતી. બાદમાં તેણે મદ્રાસ કેફે, મૈં તેરા હીરો, હાઉસફૂલ 3 અને ઢીશૂમ જેવી ફિલ્મો કરી હતી.
એક પછી એક ફિલ્મોના કારણે નરગિસ ફખરીએ ઈન્ડસ્ટ્રીમાં પોતાની ઓળખ ઊભી કરી હતી, પરંતુ થોડા સમયમાં તે ફિલ્મોમાં દેખાતી બંધ થઈ. નરગિસે બોલિવૂડમાંથી લાંબા સમય માટે બ્રેક લીધો હતો. આ અંગે તેણે કહ્યું હતું કે, ઘણું બધું કામ આવી જતાં તે સ્ટ્રેસમાં આવી ગઈ હતી અને તેના કારણે બ્રેક લીધો હતો. એક ઈન્ટરવ્યૂમાં નરગિસે સ્પષ્ટતા કરી હતી કે, ઘણાં પ્રોજેક્ટ ચાલી રહ્યા હોવાથી તેણે વર્ષ 2020માં મુંબઈમાં સ્થાયી થવાનું નક્કી કર્યુ હતું.
કોરોના મહામારીના કારણે પ્રોજેક્ટ્સમાં મોડું થયુ અને બે વર્ષ રાહ જોવી પડી. આ સમયને યાદ કરતાં નરગિસે કહ્યું કે, માર્ચ 2020માં તે 10 દિવસ માટે મેડિટેશન રીટ્રીટમાં જોડાઈ હતી. બહાર આવી ત્યારે જિંદગી રોકાઈ ગઈ હોય તેવું લાગ્યું. હું એપ્રિલ 2020માં જવા તૈયાર હતી, પરંતુ જાણે કે દુનિયા ઠપ્પ થઈ હતી. બોલિવૂડમાંથી બ્રેક લેવા અને ન્યૂયોર્કથી પરત આવવા બાબતે નરગિસે ખુલાસો કર્યો હતો કે, તેની મેન્ટલ કન્ડિશન સારી હતી પરંતુ કામ વધારે હોવાથી તે સ્ટ્રેસમાં રહેતી હતી. પોતાના ફેમિલી અને ફ્રેન્ડ્સને પણ મિસ કરતી હતી. 2016-17ના વર્ષમાં પણ આ કારણથી અપસેટ રહેતી હતી. જેના કારણે કામમાં ખુશી મળતી ન હતી. આમ છતાં બેક ટૂ બેક ફિલ્મો ચાલતી હતી. માઈન્ડ અને બોડીને બેલેન્સ કરવાની જરૂર હતી અને તેના માટે બ્રેક જરૂરી બન્યો હતો.