(ANI Photo)

ભારતમાં ગરમીએ માર્ચમાં 122 વર્ષનો રેકોર્ડ તોડ્યા બાદ ગુજરાત સહિતના રાજયોમાં એપ્રિલમાં પણ કાળઝાળ ગરમી અને હીટવેવથી રાહત ન મળવાની ધારણા છે. હવામાન વિભાગની આગાહી મુજબ ઉત્તરપશ્ચિમ ભારત અને મધ્ય ભારતના નજીકના રાજ્યોમાં માર્ચ કરતાં એપ્રિલમાં વધુ તીવ્ર અને વારંવારની હીટવેવની શક્યતા છે.

ભારતીય હવામાન વિભાગના ડિરેક્ટર જનરલ મૃત્યુંજય મોહપાત્રાએ બુધવારે જણાવ્યું હતું કે અમારી ધારણા મુજબ સમગ્ર ઉત્તરપશ્ચિમ ભારત તથા ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં તાપમાન સામાન્ય કરતાં વધુ રહેશે. તેઓ ક્લાઇમેટ અંગેના એક વર્ચ્યુઅલ કાર્યક્રમમાં બોલી રહ્યાં હતા. હવામાન વિભાગે અગાઉ આગાહી કરી હતી કે માર્ચ કરતાં એપ્રિલમાં વધુ તીવ્ર ગરમી રહેશે અને તાપમાન સામાન્ય કરતાં વધુ ઊંચું રહેશે.

તેમણે જણાવ્યું હતું કે તીવ્ર હીટવેવની સંખ્યા માર્ચની સરખામણીમાં એપ્રિલમાં વધુ ઊંચી રહેશે. અમારી ધારણા છે કે કેટલાંક વિસ્તારોમાં 15 એપ્રિલ સુધી હીટવેવની સ્થિતિ ચાલુ રહી શકે છે.

હવામાન વિભાગે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ખાસ કરીને પશ્ચિમ રાજસ્થાન અને ગુજરાતના નજીકના વિસ્તારો તથા પશ્ચિમ મધ્યપ્રદેશથી 27 માર્ચથી હાલની હીટવેવ ચાલુ થઈ છે.  આ હીટવેવ 29 માર્ચ સુધીમાં પૂર્વ રાજસ્થાન, પૂર્વ મધ્યપ્રદેશ, દક્ષિણ હરિયાણા, દિલ્હી અને ઉત્તરપ્રદેશના દક્ષિણ વિસ્તાર સુધી લંબાઈ હતી. હીટવેવની આ સ્થિતિ લાંબા ગાળાથી ચાલુ છે અને તેને એક સપ્તાહ કરતાં વધુ સમય થઈ ગયો છે.

આ ઉપરાંત દેશના ઉત્તરીય મેદાનો, મધ્ય ભારત અને પશ્ચિમ હિમાલયના કેટલાંક વિસ્તારોમાં સતત હીટવેવ જોવા મળી રહી છે, જેમાં 25થી 33 ડિગ્રી સેલ્શિયસની રેન્જમાં તાપમાન નોંધાયું છે. એપ્રિલ (2017-2021)ના ડેટા દર્શાવે છે કે આ પ્રકારની લાંબી હીટવેવ અસાધારણ નથી. અગાઉ 2017 અને 2019માં રાજસ્થાન, મધ્યપ્રદેશ, હરિયાણા, ચંદીગઢ અને ગુજરાતના કેટલાંક વિસ્તારોમાં 8થી 12 દિવસની લાંબી હીટવેવ જોવા મળી હતી. 2017ના એપ્રિલમાં હિમાચલપ્રદેશ અને જમ્મુ સહિતના પશ્ચિમ હિમાલય વિસ્તારોમાં છથી આઠ દિવસ લાંબી હીટવેવ જોવા મળી હતી.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સામાન્ય રીતે મેદાની વિસ્તારોમાં મહત્તમ તાપાન 40 ડિગ્રી સેલ્શિયસથી વધુ હોય અને તે સામાન્ય કરતાં 4.5 ડિગ્રી વધુ હોય ત્યારે તેને હીટવેવ કહેવામાં આવે છે. તાપમાન જ્યારે સામાન્ય કરતાં 6.4 ડિગ્રી વધુ હોય ત્યારે તીવ્ર હીટવેવની જાહેરાત થતી હોય છે. ભારતમાં માર્ચ મહિનામાં ગરમીએ 122 વર્ષનો રેકોર્ડ તોડ્યો હતો.