જોઇન્ટ કમીટી ઓન વેક્સીનેશન એન્ડ ઇમ્યુનાઇઝેશનની મંજૂરી બાદ ઈંગ્લેન્ડમાં 5થી 11 વર્ષના બાળકોને કોવિડ રસી આપવાનું શરૂ કરાશે. આ માટે તા. 2ને શનિવારથી લોકો પોતાના બાળકો માટે રસી બુક કરાવી શકશે. નેશનલ હેલ્થ સર્વિસએ રસીના રોલઆઉટ માટે બુકિંગ કરવાનું શરૂ કર્યું છે. તા. 4ને સોમવારથી સેંકડો સાઇટ્સ પર રસી માટે એપોઇન્ટમેન્ટ ઉપલબ્ધ છે.
NHS કોવિડ-19 રસીકરણ કાર્યક્રમ માટે ભારતીય મૂળના ડેપ્યુટી લીડ ડૉ. નિક્કી કાનાણીએ જણાવ્યું હતું કે “આજથી, લગભગ 5 મિલિયન જેટલા 5 થી 11 વર્ષની વયના બાળકો માટે માતા-પિતા રસી બુક કરાવી શકે છે. જેથી તેમને રસીનો પ્રથમ ડોઝ મળે અને ભવિષ્યમાં કોવિડ-19ના સંભવિત મોજાઓ સામે રક્ષણ આપવામાં મદદ મળે. રસીઓ વાયરસ સામે શ્રેષ્ઠ સંરક્ષણ આપે છે.”
NHS જેમની તબીબી સ્થિતિ ખરાબ છે તેવા પાંચ થી 11 વર્ષની વયના બાળકોને પહેલાથી જ રસી આપી રહ્યું છે. આ વય જૂથના લોકોને શાળાના સમય સિવાય સ્થાનિક રસીકરણ કેન્દ્રો અથવા કોમ્યિનીટી ફાર્મસીઓમાં રસી ઉપલબ્ધ થશે.
હેલ્થ સેક્રેટરી સાજિદ જાવિદે જણાવ્યું હતું કે, “માતાપિતા, ઇચ્છે તો, તેમના બાળકોને કોવિડ સામે રક્ષણ આપવા રસી લઈ શકે છે. કારણ કે આપણે આ વાયરસ સાથે જીવતા શીખીએ છીએ. બીમારી ન હોય તેવા બાળકોને કોવિડની ગંભીર બીમારી થવાનું ઓછું જોખમ હોય છે.”
અધિકૃત આંકડા દર્શાવે છે કે યુકેમાં રેકોર્ડ 4.9 મિલિયન લોકોને કોરોનાવાઇરસ છે, જે સંખ્યા એક અઠવાડિયા પહેલા 4.3 મિલિયનથી વધુ હતી.