
યુએનની સામાન્ય સભાએ બુધવારે તેની માનવ અધિકાર કાઉન્સિલમાંથી રશિયાની હકાલપટ્ટી કરી છે. યુક્રેનમાં રશિયા દ્વારા ગુજારવામાં આવેલા અમાનુષિ હત્યાચાર બદલ આ નિર્ણય કરવામાં આવ્યો છે. યુએનની જનરલ એસેમ્બલીમાં રશિયાને સસ્પેન્ડ કરવાની તરફેણમાં 93 મત પડ્યા હતા, જ્યારે 24 દેશોએ આ દરખાસ્તનો વિરોધ કર્યો હતો. વિશ્વના કુલ 58 દેશોએ મતદાનમાં ભાગ લીધો ન હતો.
યુએનની સામાન્ય સભામાં આ વખતે અગાઉના બે ઠરાવની સરખામણીમાં ઘણા ઓછા મતથી ઠરાવને મંજૂરી આપવામાં આવી હતી અગાઉ યુક્રેનમાં તાકીદે યુદ્ધવિરામની માગણી કરતાં બે ઠરાવને 140 દેશોએ સમર્થન કર્યું હતું.
માનવ અધિકાર કાઉન્સિલની 2006માં સ્થાપના થઈ હતી. આ પછી કોઇ દેશને સસ્પેન્ડ કરવામાં આવ્યો હોય તેવો રશિયા બીજો દેશ છે. 2021માં લિબિયાને સસ્પેન્ડ કરવામાં આવ્યું હતું. જોકે યુએનની સામાન્ય સભાના આ નિર્ણયથી યુક્રેન યુદ્ધને કોઇ અસર થતી નથી. આ માત્ર એક પ્રતિકાત્મક વિરોધ છે. અમેરિકાના એમ્બેસેડર લિન્ડા થોમસ ગ્રીનફિલ્ડે રશિયાના માનવ અધિકાર કાઉન્સિલમાંથી સસ્પેન્ડ કરવાની કેમ્પેઇન ચાલુ કરી હતી.











