યુકેના વિરોધ પક્ષોએ ચાન્સેલર ઋષિ સુનકના પત્ની અને ભારતની ઈન્ફોસીસના સહ-સ્થાપક નારાયણ મૂર્તિની પુત્રી અક્ષતા મૂર્તિના નોન-ડોમિસાઈલ ટેક્સ સ્ટેટસ પર પ્રશ્નો ઉઠાવ્યા છે અને સુનક પાસે તાત્કાલિક સ્પષ્ટતાની માંગ કરી છે. તેમના પત્ની અક્ષતા મૂર્તિએ સ્વીકાર્યું છે કે તેઓ કરના હેતુઓ માટે નોન-ડોમીસાઇલ સ્ટેટસ ધરાવે છે. જેને પગલે હવે સુનક પર બેવડા ધોરણો અપનાવતા હોવાના આક્ષેપો થઇ રહ્યા છે.
અક્ષતા મૂર્તિ ભારત સ્થિત ટેક કંપની ઇન્ફોસિસમાં શેર ધરાવે છે અને તેઓ નોન-ડોમિસાઈલ ટેક્સ સ્ટેટસ ધરાવતા હોવાથી સરકારના નિયમો મુજબ તેઓ ભારતમાં કમાયેલી આવક પર યુકેમાં ટેક્સ ચૂકવવા માટે કાયદેસર રીતે બંધાયેલા નથી. અક્ષતા મૂર્તિ નોન-ડોમ સ્ટેટસ જાળવી રાખવા માટે તે સરકારને દર વર્ષે £30,000 ચૂકવે છે.
42 વર્ષના અક્ષતા મૂર્તી વેન્ચર કેપિટલ ફર્મ કેટામરન યુકેના ડિરેક્ટર છે અને તેમના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ‘’ભારત બેવડી નાગરિકતાને માન્યતા આપતું ન હોવાથી તેમણે નોન-ડોમિસાઇલ સ્ટેટસ રાખ્યું હતું અને તેઓ યુકેમાં કાયદેસર રીતે જરૂરી તમામ ટેક્સ ચૂકવે છે અને તે ચાલુ રાખશે. અક્ષતા મૂર્તિ ભારતના નાગરિક છે અને તે તેમના જન્મનો દેશ અને માતાપિતાનું ઘર છે.”
લેબર નેતા, સર કેર સ્ટાર્મરે જણાવ્યું હતું કે ‘’અક્ષતા મૂર્તિનું ટેક્સ એરેંજમેન્ટ “દંભ”નું પ્રતિનિધિત્વ કરે છે અને તેમને કર લાભો મળ્યા છે કે કેમ તે અંગે સુનકે ખૂબ જ ગંભીર પ્રશ્નોના જવાબ આપવા પડશે.”
લેબર પાર્ટીના નાયબ નેતા એન્જેલા રેનરે પણ જૉન્સન અને ગીડ્ટ બંનેને પત્ર લખીને તપાસની વિનંતી કરતાં જણાવ્યું હતું કે “માછલી હંમેશા માથાના ભાગેથી સડે છે. તે વડા પ્રધાનની જવાબદારી છે કે તેઓ તેમની કેબિનેટમાં ધોરણોનું પાલન કરાય છે તે સુનિશ્ચિત કરે.’’
લેબર શેડો મિનિસ્ટર એડ મિલિબેન્ડે બીબીસી ટેલિવિઝનને જણાવ્યું હતું કે ‘’જ્યારે લોકો અવિશ્વસનીય રીતે તણાવપૂર્ણ નાણાકીય સ્થિતિનો સામનો કરી રહ્યા છે અને તેમના પરિવારના સભ્ય યુકેના કરમાંથી તેમની આવકનો મોટો હિસ્સો આપી રહ્યા છે ત્યારે સુનકે આ માટે જવાબ આપવાની જરૂર છે.’’
બાંગ્લાદેશી મૂળના લેબરના શેડો ઇકોનોમિક સેક્રેટરી ટ્યૂલિપ સિદ્દિકે જણાવ્યું હતું કે “ચાન્સેલરે બ્રિટિશ લોકોના ટેક્સમાં વધારો કર્યો છે. પણ આશ્ચર્યજનક એ છે કે તે જ સમયે તેમના પરિવારને કર ઘટાડવાની યોજનાઓનો લાભ મળી રહ્યો હશે. જે સમયે તેઓ મજૂરી કરતા લાખો પરિવારો પર ટેક્સ નાખતા હતા ત્યારે સુનકે સમજવું જોઈએ કે તેમણે અને તેમના પરિવારે પોતાના ટેક્સ બિલમાં કેટલી બચત કરી છે.”
ડિફેન્સ સિલેક્ટ કમિટીના ટોરી ચેરમેન ટોબીઆસ એલવુડે જણાવ્યું હતું કે ‘’અક્ષતા મૂર્તિએ જે રીતે તેમની ટેક્સ બાબતોનું સંચાલન કર્યું હતું તેમાં કંઈ ગેરકાયદેસર નથી પરંતુ આ નોન-ડોમના જુના નિયમોની ફરીથી તપાસ અને સમીક્ષા કરવાની જરૂર છે.‘’
બિઝનેસ સેક્રેટરી ક્વાસી ક્વાર્ટેંગે જણાવ્યું હતું કે તેણીની નાણાકીય તપાસ “સંપૂર્ણપણે અયોગ્ય” હતી. કોમન્સ સ્ટાન્ડર્ડ કમિટીના લેબર ચેરમેન ક્રિસ બ્રાયન્ટે કહ્યું: “આ માત્ર ખોટું છે. નોન-ડોમ સ્ટેટસ આપોઆપ નથી મળતું. ટ્રેઝરીએ આ અચોક્કસ નિવેદનની તાત્કાલિક સ્પષ્ટતા કરવાની જરૂર છે.’’
બ્રિટિશ કાયદા હેઠળ યુકેમાં નવ વર્ષથી રહેતા અક્ષતા મૂર્તિ 15 વર્ષના વસવાટ પછી આપમેળે યુકેમાં ડોમીસાઇલ્ડ થઇ જશે.
સુનક 2018માં મંત્રી બન્યા પછી તેમણે કેબિનેટ ઑફિસમાં તેમની પત્નીના ટેક્સ સ્ટેટસની જાણ કરી હતી. તેના એક વર્ષ પછી તેમણે યુકે ટ્રેઝરીમાં તેમની પ્રથમ ભૂમિકા નિભાવી હતી.
આ અગાઉ એક મુલાકાતમાં સુનકે પોતાના સસરાએ જે હાંસલ કર્યું છે તેના પર ખૂબ ગર્વ છે અને તેઓ અદ્ભુત છે તેમ કહ્યું હતું.
અક્ષતા મૂર્તિને છેલ્લા સાત વર્ષમાં ઈન્ફોસિસ તરફથી £54 મિલિયનથી વધુ રકમનું ડિવિડન્ડ પ્રાપ્ત થયું છે. તેઓ નોન-ડોમ હોવાના કારણે તેમણે તે આવક પર યુકેમાં ટેક્સ ચૂકવ્યો નથી. પરંતુ તેમણે તે આવક પર ભારતમાં ટેક્સ ચૂકવ્યો હશે. જો તેઓ નોન-ડોમ ન હોત, તો તે ડિવિડન્ડ પર લગભગ £20 મિલિયન ટેક્સ માટે તેઓ જવાબદાર હોત. અક્ષતા મૂર્તિ ઇન્ફોસિસમાં £690 મિલિયનનો હિસ્સો ધરાવે છે અને પાછલા ટેક્સ યરમાં તેમને £11.6 મિલિયન ડિવિડન્ડ પેટે મળ્યા છે.