યસ બેન્કના સહ-સ્થાપક રાણા કપૂર અને દિવાન હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ (DHFL)ના પ્રમોટર્સ કપિલ અને ધીરજ વાધવાને શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન મારફત રૂ.5,050 કરોડની ઉચાપત કરી હતી, એવો કેન્દ્રીય તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ આરોપ મૂક્યો છે. રાણા કપૂરની માર્ચ 2020માં આ કેસ ધરપકડ થઈ હતી અને હાલમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. વાધવાન ભાઇઓ પણ અન્ય એક કેસમાં હાલમાં જેલમાં છે.
ઇડીએ મની લોન્ડરિંગ કેસમાં રાણા કપૂર, તેમના પરિવાર, વાધવાન અને અન્ય સામે મુંબઈની સ્પેશ્યલ કોર્ટમાં તાજેતરમાં દાખલ કરેલી બીજી પૂરક ચાર્જશીટમાં આ આરોપ મૂક્યો છે. તપાસમાં બહાર આવ્યું છે કે આ કેસમાં ગુનાની કમાણીનો મોટા ભાગનો હિસ્સો રાણા કપૂર દ્વારા વિદેશમાં મોકલવામાં આવ્યો હતો અને તેથી પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટર (પીએમએલએ)ની જોગવાઈ હેઠળ સીધી રીતે ટાંચમાં લઈ શકાય તેમ નથી.
આરોપનામામાં ઇડીએ દાવો કર્યો છે કે રાણા કપૂર, DHFLના પ્રમોટર્સ કપિલ વાધવાન, ધીરજ વાધવાન અને અન્યોએ રૂ.5,050 કરોડના શંકાસ્પદ સોદા મારફત ભંડોળને ગેરકાયદે ડાઇવર્ટ કરીને ઉચાપત કરવા માટે એકબીજા સાથે મહિને ગુનાહિત ષડયંત્ર રચ્યું હતું. તપાસમાં બહાર આવ્યું છે કે યસ બેન્કે એપ્રિલ 2018થી જૂન 2018 વચ્ચે DHFLના રૂ.3,700 કરોડના ડિબેન્ચર ખરીદ્યા હતા. તેનાથી આ રકમ DHFLને ટ્રાન્સફર થઈ હતી. આ પછી DHFLએ રાણા કપૂર અને તેમના પરિવારની માલિકીના એકમ DOIT અર્બન વેન્ચર્સને રૂ.600 કરોડની લોન આપી હતી. યસ બેન્કે DHFLના ઉપરોક્ત શોર્ટ ટર્મ ડિબેન્ચર્સ ખરીદવા માટે જાહેર નાણાનો ઉપયોગ કર્યો હતો. આ ડિબેન્ચર્સને DHFLએ હજુ રિડિમ કર્યા નથી. બીજી તરફ પૂરતી જામીનગીરી વગર DHFLએ રાણા કપૂરને પરોક્ષ રીતે આ લોન આપી હતી.