લેસ્ટરના કોલમેન રોડ ધ લેંગહિલ જંક્શન પાસે પર ગત 17 જાન્યુઆરીના રવિવારના રોજ રાત્રે 11.30 કલાકે દારૂ પીને 120 માઇલની ઝડપે કાર હંકારી બાળપણના મિત્ર 28 વર્ષીય પવનદીપ સિંહનું મોત નિપજાવી અન્ય એક મુસાફરને ગંભીર રીતે ઘાયલ કરવા બદલ વિનિત પટેલ નામના યુવાનને પાંચ વર્ષ અને બે મહિનાની જેલ કરવામાં આવી હતી અને આઠ વર્ષ સુધી ડ્રાઇવિંગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

તેમની કાર “બુલેટ”ની જેમ ત્રણ વૃક્ષો સાથે અથડાઈ હતી. જેમાં નર્સરી સ્કૂલ સમયથી મિત્રતા ધરાવતા અને સીયેટ લિયોન કપરા કારની પાછળની સીટ પર બેસેલા પવનદીપ સિંહ ઉર્ફે સનીનું કારમાંથી રોડ પર ફેંકાઇ જતાં માથામાં થયેલી ગંભીર ઇજાઓથી મરણ થયું હતું. હાઇ સ્પીડની અસરથી કારના બે ફાડચા થઇ ગયા હતા અને પાછળના ભાગે આગ લાગી ગઇ હતી.

આગળની સીટ પર બેસેલ મુસાફરની પાંચ પાંસળીઓ અને ચહેરાના ભાગે ફ્રેકચર થયું હતું અને મગજની ઈજા થઈ હતી. તેને નવ અઠવાડિયા સુધી હોસ્પિટલમાં સારવાર અપાઇ હતી અને હજુ પણ તેને ચાલુ સારવારની જરૂર છે.

લેસ્ટરના ક્રાઉન હિલ્સ એવન્યુ, નોર્થ એવિંગ્ટનના વિનિત પટેલે પોતાના ગુનાની કબૂલાત કરતા કહ્યું હતું કે “તે સાંજે જે બન્યું તેના માટે હું આખી જીંદગી અફસોસ કરીશ હું સમજી શકતો નથી કે બંને પરિવારો કેવી હાલતમાંથી પસાર થયા છે.”

પટેલના બ્લડ સેમ્પલ લેવાતા તેના 100 મિલિલિટર લોહીમાં 105 મિલિગ્રામ આલ્કોહોલ જણાયો હતો જે કાયદેસર મર્યાદા કરતાં 25  મિલિગ્રામ વધારે હતો. ફાયર બ્રિગેડે અહેવાલ આપ્યો હતો કે ઇમરજન્સી સેવાઓ આવી ત્યારે પણ ડેશબોર્ડ પર રાખેલા “મોબાઇલ ફોન કરતાં મોટા ગેઝેટ પર મ્યુઝિક વિડિયો ચાલી રહ્યો હતો.

ત્રણેય મિત્રોએ ઘરે ફૂટબોલ મેચ જોઈ હતી અને મેચ પૂરી થયા બાદ સાંજે 7.30 કલાકે તેઓ હમ્બરસ્ટોન ગેટ પાસેના કાર પાર્કમાં ગયા હતા. જ્યાં તેમણે કોલા સાથે થોડી આઇરિશ વ્હિસ્કી પીને કારમાં સંગીત સાંભળ્યું હતું.

જજ રેનોરે સજા આપતાં આરોપી વિનિત પટેલની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી ઢપકો આપ્યો હતો.

પવનદીપ સિંહે શેફિલ્ડ યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રની ડિગ્રી મેળવી હતી અને તે તેજસ્વી વિદ્યાર્થી અને સખત કામ કરતો હતો. તે પોતાની વિકલાંગ માતાને આર્થિક સહિતની સારસંભાળમાં મદદ કરતો હતો. તેની માતાએ જણાવ્યું હતું કે “અમારી પીડાને વર્ણવવા માટે કોઈ શબ્દો નથી. મેં મારી આખી દુનિયા ગુમાવી દીધી છે.”