મિડલ ઇસ્ટ સ્થિત ભારતીય મૂળના રાઇસ મેગ્નેટ કરણ ચનાના યુકેની કોન્ઝર્વેટીવ પાર્ટીના મુખ્ય દાતા તરીકે ઉભરી આવ્યા છે. ગ્લોબલ રાઇસ બ્રાન્ડ અમીરાના વડા કરણ ચનાનાએ  સપ્ટેમ્બર 2019થી તેમની બ્રિટિશ કંપની અમીરા જી ફૂડ્સ દ્વારા કન્ઝર્વેટિવ પાર્ટીને £220,000થી વધુ રકમનું દાન આપ્યું છે.

ચૂંટણી પંચના રેકોર્ડ મુજબ, માલ્ટાના નાગરિક ચનાનાએ પાર્ટીને £50,000નું નવીનતમ દાન ડિસેમ્બરમાં આપ્યું હતું. તેમની પેઢી અમીરા નેચર ફૂડ્સ બ્રિટિશ વર્જિન ટાપુઓ (BVI) માં સ્થિટ છે અને તેનું મુખ્ય મથક દુબઈમાં છે.

લંડન સ્થિત અમીરા જી ફૂડ્સે જણાવ્યું હતું કે તે BVI સ્થિત કંપની અમીરા નેચર ફૂડ્સના ભંડોળ પર આધાર રાખે છે. તેના એકાઉન્ટ્સ અનુસાર બ્રિટિશ ફર્મ ગયા વર્ષે 31 માર્ચે £5.96 મિલિયનની ચોખ્ખી જવાબદારીઓ ધરાવતી હતી.

રાજકીય પક્ષોને વિદેશી કંપનીઓ અને વ્યક્તિઓ પાસેથી દાન સ્વીકારવા પર પ્રતિબંધ હોવા છતાં, નિયમોની શિથિલતા અંગે લાંબા સમયથી ચિંતાઓ છે. દાન વિદેશી ભંડોળ અથવા યુકેની આવકમાંથી મેળવવામાં આવે છે કે કેમ તે કંપનીઓએ જાહેર કરવાની જરૂર નથી. ચૂંટણી પંચે સરકારને વિનંતી કરી છે કે રાજકીય પક્ષોને ભંડોળ પૂરું પાડવા માટે વિદેશી નાણાંનો ઉપયોગ ન થાય તે સુનિશ્ચિત કરવા માટે કડક નિયંત્રણો લાગુ કરવામાં આવે.

ચનાનાએ 1915માં સ્થપાયેલા કૌટુંબિક બિઝનેસને ચોખાના મુખ્ય આંતરરાષ્ટ્રીય નિકાસમાં ફેરવ્યો હતો. તેઓ હિમાલયની તળેટીમાં ઉગાડવામાં આવતા ભારતીય બાસમતી ચોખામાં વિશેષતા ધરાવે છે.

ચનાના અમીરા નેચર ફૂડ્સના ચેરમેન, ચીફ એક્ઝિક્યુટિવ અને મુખ્ય શેરહોલ્ડર છે. તેમના ચોખા બ્રિટિશ સુપરમાર્કેટ સહિત વિશ્વભરમાં વેચવામાં આવે છે.