મહારાણી તેમની હરવા-ફરવાની સમસ્યાને કારણે બહાર નીકળી શકતા ન હોવાના કારણે પાર્લામેન્ટને સત્તાવાર રીતે ફરીથી શરૂ કરવાના સમારોહમાં ઉપસ્થિત રહીને પ્રિન્સ ચાર્લ્સે આગામી વર્ષ માટે સરકારની પ્રાથમિકતાઓની રૂપરેખા આપી પાર્લામેન્ટમાં મહારાણીનું ભાષણ રજૂ કર્યું હતું.

તેમણે તા. 10 મે ના રોજ મંગળવારે આગામી વર્ષ માટે સરકારનો એજન્ડા નક્કી કરતાં કહ્યું હતું કે સરકારની પ્રાથમિકતા “અર્થતંત્રમાં વૃદ્ધિ કરી તેને મજબૂત બનાવવાની છે અને પરિવારો માટે જીવનનિર્વાહના ખર્ચને સરળ બનાવવામાં મદદ કરવાની છે.” પ્રિન્સ ચાર્લ્સે પ્રથમ વખત મહારાણી માટે પ્રવચન આપવા આવવું પડ્યું હતું.

વડા પ્રધાન અને લેબર લીડર કેર સ્ટાર્મર બાદમાં સરકારના એજન્ડા પર ચર્ચા કરશે. સ્થાનિક ચૂંટણીના નિરાશાજનક પરિણામો પછી જૉન્સન સમગ્ર તંત્રને રીબૂટ કરવા માંગે છે અને કુલ 38 બિલની જાહેરાત થવાની અપેક્ષા છે જે પૈકી કેટલાકને મિનિસ્ટર્સ આગામી વર્ષમાં પસાર કરવા માગે છે. તેમાં પાછલા મહિને સમાપ્ત થયેલા સંસદના સત્રના કેટલાક બિલનો પણ સમાવેશ થાય છે.

લેબર કહે છે કે બોરિસ જૉન્સનનું વહીવટીતંત્ર પડકારનો સામનો કરતું નથી કારણ કે ફુગાવો વધી રહ્યો છે અને પરિવારો સંઘર્ષ કરે છે.

પ્રિન્સ ઑફ વેલ્સ દ્વારા આપવામાં આવેલ મહારાણીનુ પ્રવચન

પ્રિન્સ ઑફ વેલ્સ દ્વારા અપાયેલ મહારાણીના ભાષણમાં જણાવાયું હતું કે ‘’મારી સરકારની પ્રાથમિકતા અર્થતંત્રની વૃદ્ધિ અને મજબૂતી અને પરિવારો માટે જીવન ખર્ચને સરળ બનાવવામાં મદદ કરવાની છે. મારી સરકાર દેશના તમામ ભાગોમાં તકોનું સ્તર વધારશે અને વધુ લોકોને કામમાં મદદ કરશે. મારા મિનિસ્ટર્સ શેરીઓને વધુ સુરક્ષિત બનાવવા માટે પોલીસને ટેકો આપવાનું ચાલુ રાખશે અને કોવિડ બેકલોગ ઘટાડવા માટે નેશનલ હેલ્થ સર્વિસને ફંડ આપશે. આ પડકારજનક સમયમાં સરકાર યુક્રેનના લોકોને સતત સમર્થન આપવા સહિત સમગ્ર વિશ્વમાં લોકશાહી અને સ્વતંત્રતાની રક્ષા માટે અગ્રણી ભૂમિકા ભજવશે. સરકાર જીવનધોરણ સુધારવા અને જાહેર સેવાઓમાં સસ્ટેઇનેબલ ઇન્વેસ્ટમેન્ટ માટે આર્થિક વૃદ્ધિને આગળ ધપાવશે. જાહેર નાણાં માટેનો જવાબદાર અભિગમ, સુધારા અને કરમાં ઘટાડો કરતી વખતે દેવું ઘટાડવા પર આધારીત રહેશે. મારા મિનિસ્ટર્સ બેન્ક ઓફ ઈંગ્લેન્ડને ફુગાવાને તેના ટાર્ગેટ પર પાછા લાવવા માટે ટેકો આપશે.’’

તેમણે જણાવ્યું હતું કે ‘’સ્થાનિક વિકાસને આગળ ધપાવવા, સ્થાનિક નેતાઓને તેમના વિસ્તારોને પુનર્જીવિત કરવા માટે સશક્તિકરણ કરવા અને યુકેની સફળતામાં દરેક જણ સહભાગી થઈ શકે તેની ખાતરી કરવા માટે એક બિલ લાવવામાં આવશે. સ્થાનિક વિકાસમાં રહેવાસીઓને વધુ જોડવા આયોજન વ્યવસ્થામાં સુધારો કરવામાં આવશે. સરકાર સમગ્ર યુકેમાં પરિવહનમાં સુધારો કરશે, સુરક્ષિત, સ્વચ્છ સેવાઓ પ્રદાન કરશે અને વધુ નવીનતાઓને સક્ષમ કરશે. રેલ સેવાઓને આધુનિક બનાવવા અને મુસાફરો માટે વિશ્વસનીયતા સુધારવા માટે કાયદો લાવવામાં આવશે. મિનિસ્ટર્સ સસ્તી, સ્વચ્છ અને વધુ સુરક્ષિત ઊર્જા માટે એનર્જી બિલ લાવશે. જે ગયા વર્ષે ગ્લાસગોમાં યોજાયેલ COP26 સમિટની સફળતા પર નિર્માણ કરશે. સ્પર્ધાને પ્રોત્સાહન આપવા, ઉપભોક્તા અધિકારોને મજબૂત કરવા અને ઘરો અને વ્યવસાયોને સુરક્ષિત કરવા માટેના કાયદાનો ડ્રાફ્ટ પ્રકાશિત કરવામાં આવશે.’’

પ્રિન્સે જણાવ્યું હતું કે ‘’મારી સરકાર કાયદામાં યુકે ઈન્ફ્રાસ્ટ્રક્ચર બેંકની સ્થાપના કરશે, જેનો હેતુ આર્થિક વૃદ્ધિને ટેકો આપવાનો રહેશે. શિક્ષણમાં સુધારા માટે દરેક બાળકને તે જ્યાં પણ રહે છે ત્યાં તેમની ક્ષમતાને પરિપૂર્ણ કરવામાં, ધોરણો વધારવામાં અને શાળાઓ અને ઉચ્ચ શિક્ષણની ગુણવત્તા સુધારવામાં મદદ કરશે. મિનિસ્ટર્સ મેન્ટલ હેલ્થ એક્ટમાં સુધારા માટે કાયદાનો ડ્રાફ્ટ પ્રકાશિત કરશે. સરકાર આર્થિક વૃદ્ધિને ટેકો આપવા માટે ઇયુમાંથી યુકેની વિદાયની તકોનો લાભ લેવાનું ચાલુ રાખશે. બિઝનેસીસ પરના નિયમો રદ કરી જોઇતા સુધારા કરાશે. નાના ઉદ્યોગો માટે નવી તકો પૂરી પાડવા માટે જાહેર ક્ષેત્રની પ્રાપ્તિને સરળ બનાવવામાં આવશે. નવો કાયદો યુકેની ફાઇનાન્સીયલ સર્વિસ ઇન્ડસ્ટ્રીને મજબૂત બનાવશે. તે સુનિશ્ચિત કરશે કે તે તમામ લોકો અને સમુદાયોના હિતમાં કાર્ય કરવાનું ચાલુ રાખે. યુકેની ડેટા પ્રોટેક્શન સિસ્ટમમાં સુધારો કરવામાં આવશે.

તેમણે જણાવ્યું હતું કે ‘’મારી સરકાર આંતરરાષ્ટ્રીય વેપારને ચેમ્પિયન કરવાનું, દેશભરમાં નોકરીઓ પહોંચાડવાનું અને અર્થવ્યવસ્થામાં વૃદ્ધિ કરવાનું ચાલુ રાખશે. ઇયુ છોડ્યા પછી યુકેના પ્રથમ નવા ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટના અમલીકરણને સક્ષમ કરવા માટે કાયદો રજૂ કરવામાં આવશે. મિનિસ્ટર્સ ઘરઆંગણે કૃષિ અને વૈજ્ઞાનિક સંશોધનને પ્રોત્સાહન આપશે. સરકાર યુકેની સરહદોની અખંડિતતાનું રક્ષણ કરશે અને તેના લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરશે. તેઓ ખતરનાક અને ગેરકાયદેસર ચેનલ ક્રોસિંગને રોકવા માટે પગલાં લેશે અને ગુનાહિત ગેંગનો સામનો કરશે. પોલીસ પાસે શેરીઓ વધુ સુરક્ષિત બનાવવાની સત્તા છે તેની ખાતરી કરવા માટે કાયદો લાવવામાં આવશે. ગેરકાયદેસર નાણાનો સામનો કરવા, આર્થિક અપરાધ ઘટાડવા અને વ્યવસાયોના વિકાસમાં મદદ કરવા માટે સત્તાઓને વધુ મજબૂત કરવા માટે એક બિલ લાવવામાં આવશે. સુરક્ષા સેવાઓને સમર્થન આપવા અને યુકેને સુરક્ષિત કરવા પગલાં દાખલ કરવામાં આવશે. સરકાર વિશ્વભરમાં સુરક્ષાને ચૅમ્પિયન બનાવવાના માર્ગનું નેતૃત્વ કરશે. તે આપણા બહાદુર સશસ્ત્ર દળોમાં રોકાણ કરવાનું ચાલુ રાખશે. મંત્રીઓ સંયુક્ત નાટોને જાળવવા અને વૈશ્વિક સુરક્ષા પડકારોનો સામનો કરવા માટે આંતરરાષ્ટ્રીય ભાગીદારો સાથે મળીને કામ કરશે. સરકાર માટે સમગ્ર યુકેની સતત સફળતા અને અખંડિતતા સર્વોચ્ચ મહત્વ ધરાવે છે. સરકાર એ સુનિશ્ચિત કરશે કે બંધારણનું રક્ષણ થાય. કાયદો જાહેર સંસ્થાઓને બહિષ્કારમાં સામેલ થતા અટકાવશે જે સમુદાયની એકતાને નબળી પાડે છે. સરકાર ભાડૂતોના અધિકારોને મજબૂત કરવા અને વધુ સારી ગુણવત્તા, સુરક્ષિત ઘરો સુનિશ્ચિત કરવા માટે સામાજિક આવાસના નિયમનમાં સુધારો કરવા કાયદો રજૂ કરશે. કન્વર્ઝન થેરાપી પર પ્રતિબંધ મૂકવા માટે કાયદો પણ લાવવામાં આવશે.’’

મગહારાણીના ભાષણમાં જણાવાયું હતું કે ‘’પ્લેટિનમ જ્યુબિલીના આ વર્ષમાં, હું સમગ્ર યુકે અને સમગ્ર કોમનવેલ્થમાં થઈ રહેલી ઉજવણી અને આ ઉનાળામાં બર્મિંગહામમાં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સની આતુરતાથી રાહ જોઉં છું. હાઉસ ઓફ કોમન્સના સભ્યો. જાહેર સેવાઓ માટેના અંદાજો તમારી સમક્ષ મૂકવામાં આવશે. હું પ્રાર્થના કરું છું કે સર્વશક્તિમાન ભગવાનનો આશીર્વાદ તમારી સલાહ પર રહે.’

મહારાણી 1963 પછી પ્રથમ વખત આ સમારોહ ચૂકી ગયા હતા.