બોલ્ટન ખાતે રહેતા અને પાકિસ્તાની મૂળના ભૂતપૂર્વ બોક્સિંગ વર્લ્ડ ચેમ્પિયન – ભૂતપૂર્વ WBA અને IBF લાઇટ-વેલ્ટરવેટ ચેમ્પિયન અમીર ખાને શુક્રવારે તા. 13ના રોજ 17 વર્ષની પ્રોફેશનલ કારકિર્દી પછી રમતમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. તેમણે 2004 એથેન્સ ઓલિમ્પિક્સમાં સિલ્વર જીત્યો હતો.

આ વર્ષે ફેબ્રુઆરીમાં માન્ચેસ્ટરમાં છઠ્ઠા રાઉન્ડના સ્ટોપેજમાં તેને બ્રિટનના સાથી બોક્સર કેલ બ્રુક દ્વારા હરાવાયા હતા. બ્રુકે ગયા અઠવાડિયે પોતાની નિવૃત્તિની જાહેરાત કરી હતી.

ખાને ટ્વિટર પર કહ્યું હતું કે “મારા ગ્લોવ્ઝ લટકાવવાનો સમય આવી ગયો છે. 27 વર્ષથી વધુ લાંબી અદ્ભુત કારકિર્દી મેળવીને હું ધન્યતા અનુભવું છું. 34 જીત અને છ હારના કુલ 40-ફાઇટના રેકોર્ડ સાથે તેમનો કાર્યકાળ સમાપ્ત થયો હતો. હું અવિશ્વસનીય ટીમો કે જેની સાથે મેં કામ કર્યું છે, મારા કુટુંબ, મિત્રો અને ચાહકો જેમણે મને પ્રેમ અને સમર્થન આપ્યું છે તે બદલ હું તેમનો આભાર માનું છું.”

ખાનની પત્ની ફર્યાલે આ સમાચાર પછી તેના પતિને ઇન્સ્ટાગ્રામ પર શુભકામનાઓ આપી રાહત વ્યક્ત કરી કે તેઓ હવે ‘તણાવ મુક્ત’ જીવન જીવી શકે છે. ગયા મહિને ખાને ખુલાસો કર્યો હતો કે તેને લંડનમાં બંદૂકની અણીએ લૂંટવામાં આવ્યો હતો.