દેશમાં જ્ઞાનવાપી મસ્જિદ અને મથુરા ઇદગાહનો વિવાદ ચાલુ ત્યારે અમદાવાદ જિલ્લાના પીરાણા ગામમાં આવેલી ઈમામશાહ બાવા દરગાહના પરિસરમાં નવા મંદિરનું બાંધકામ થઈ રહ્યું હોવાની ફરિયાદ સાથે એક મુસ્લિમ સંગઠને ગુજરાત હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરી છે. તેમણે પોતાની પિટિશનમાં પૂજાસ્થાન ધારા1991ને ટાંક્યો છે. ગત અઠવાડિયે, આ કેસના અરજીકર્તા ઈમામશાહ બાવા રોઝા સંસ્થાન, સુન્ની આવામી ફોરમ અને ઈમામશાહી કમિટીએ જિલ્લા કલેક્ટર અને સુપ્રીટેન્ડન્ટ ઓફ પોલીસને તાત્કાલિક મધ્યસ્થી કરવાની અને દરગાહના પરિસરમાં મંદિરનું નિર્માણ થતું અટકાવવાની વિનંતી કરી છે.
તેમણે પોતાની અરજીમાં લખ્યું, “4 જૂન 2021ના રોજ જિલ્લા કલેક્ટર પાસેથી પીરાણા ગામમાં આવેલી ઈમામશાહ બાવા દરગાહમાં રિનોવેશન કરવાની પરવાનગી મેળવીને તેની આડમાં દરગાહ ટ્રસ્ટ અને કેટલાક અસામાજિક તત્વો મુસ્લિમોના ધાર્મિક સ્થળને મંદિરમાં ફેરવવા માગે છે.” તેમનો દાવો છે કે, આ બાંધકામ સત્તાધીશોએ આપેલી પરવાનગીનું ઉલ્લંઘન છે. પરિસ્થિતિનો તાગ મેળવવા તેમણે કોમ્પ્લેક્સમાં વિડીયોગ્રાફી કરવાની તેમજ હાલની સ્થિતિ ચોપડે નોંધવા માટે પંચનામું કરવાની માગ કરી છે. તેમણે એવી પણ ફરિયાદ કરી છે કે, અહીં પ્રાર્થના કરવા આવતાં મુસ્લિમ બિરાદરોને પરેશાની થાય છે અને મંત્રોચ્ચાર કરીને તેમને ભડકાવવાનો પ્રયાસ કરવામાં આવે છે.
જોકે, સત્તાધીશોએ આ પ્રતિનિધિમંડળને જવાબ ના આપતાં સુન્ની અવામી ફોરમે મંદિરનું બાંધકામ રોકવા અને દરગાહની હાલની જે સ્થિતિ છે તેમાં કોઈ ફેરફાર ના કરવા માટેનો આદેશ આપવામાં આવે તેવી માગ સાથે જાહેરહિતની અરજી કરી છે.