પુરુષપ્રધાન સમાજમાં એક વિધવાએ લંપટ પુરુષોથી પોતાની જાતને બચાવીને બાળકોના ઉછેર માટે કેવો સંઘર્ષ કરવો પડે છે, તેનું જ્વલંત ઉદાહરણ તામિલનાડુના થુથુકુડી જિલ્લાની 59 વર્ષની મહિલા આપ્યો છે. આ મહિલા કામ મેળવવા માટે અને લંપટ પુરુષોથી બચવા માટે આશરે 39 વર્ષ સુધી પુરુષ તરીકે જીવી છે અને પોતાની પુત્રીનો ઉછેર કર્યો છે.
તમિલનાડુના કટુનાયકક્નપટ્ટી ગામની એસ પેચિયામ્મલ નામની આ મહિલા ગર્ભવતી હતી ત્યારે તેના પતિનું હાર્ટ એટેકમાં મોત થયું હતું. તે સમયે તેમની ઉંમર માત્ર 20 વર્ષ હતી. વિધવા તરીકે પેચિયામ્મલ માટે કામ કરવું સહેલું ન હતું. લોકો તેમને પરેશાન કરતા હતા. તેથી પેચિયામ્મલે નક્કી કર્યું કે તેઓ પુરુષ બનીને રહેશે. તેમને તિરુચેંદુર મુરુગન મંદિર જઈને પોતાના વાળ દાન કરી દીધા અને સાડીની જગ્યાએ શર્ટ અને લુંગી પહેરવાનું શરૂ કર્યું. પેચિયામ્મલે પોતાનું નામ બદલીને મુથુ કરી દીધું હતું.
તેમણે જણાવ્યું હતું કે મેં પેઈન્ટિંગ કર્યા, ચા બનાવી, પરાઠા બનાવ્યા તેમજ 100 દિવસની મજૂરી સહિતના અનેક કામો કર્યા. કામથી મળનારી રકમની એક એક પાઈ જોડીને મેં મારી દીકરી માટે જીવન બનાવવાનો પ્રયાસ કર્યો. થોડાં સમય બાદ મુથુ જ મારી ઓળખ બની ગઈ અને આધાર, વોટર આઈડી અને બેંક એકાઉન્ટ સહિત મારા તમામ દસ્તાવેજ પર પણ આજ નામ લખાયેલું છે.
પેચિયામ્મલની દીકરી શણમુગાસુંદરીના હવે લગ્ન થઈ ગયા છે, પરંતુ પેચિયામ્મલ હજુ પણ પુરુષની જેમ જ જીવન પસાર કરવા માગે છે. તેમનું કહેવું છ કે તેમની આ બીજી ઓળખે તેમને અને તેમની દીકરીને સુરક્ષિત રાખ્યા, તેથી તેઓ છેલ્લી ઘડી સુધી મુથુ જ બનીને રહેશે.