. (ANI Photo/PIB)

ક્વાડ દેશોની ટોકિયોમાં મંગળવારે બીજી રૂબરુ સમીટમાં મુક્ત, ખુલ્લા અને સર્વગ્રાહી ઇન્ડો પેસિફિક માટેના સહકારને વધુ મજબૂત બનાવવા માટે લાંબા ગાળાની વ્યૂહરચના નક્કી થશે. આ શિખર બેઠકમાં યુક્રેન પર રશિયાના આક્રમણથી ઊભી થયેલી સ્થિતિ પર પણ ચર્ચાવિચારણા કરવામાં આવશે.

ક્વાડ દેશોમાં ભારત, અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને જાપાનનો સમાવેશ થાય છે. એશિયામાં ચીનની વધતી જતી લશ્કરી અને આર્થિક તાકાત વચ્ચે ક્વાડના નેતાઓ નિયમ આધારિત આંતરરાષ્ટ્રીય વ્યવસ્થા માટે પ્રતિબદ્ધ છે. નેતાઓ દર્શાવશે કે ગ્રૂપની રચના વૈશ્વિક હિત માટે સારી છે.

છેલ્લાં કેટલાંક વર્ષોથી ક્વાડની દેશો અને ચીન વચ્ચેના સંબંધો તંગ બન્યા છે ત્યારે આ બેઠક યોજાઈ રહી છે. ચીન ઇન્ડો સ્પેસિક વિસ્તારમાં લોકશાહી મૂલ્યને પડકારી રહ્યું છે અને વેપાર માટે બળજબરીની નીતિઓ અપનાવી રહ્યું છે.

આ સમીટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઇન્ડો-પેસિફિક માટે ભારતના વિઝનની વિગતો રજૂ કરે તથા મજબૂત સપ્લાય ચેઇનની ખાતરી કરવા સહિતના વિવિધ ક્ષેત્રોમાં સહકારને વેગ આપવાના માર્ગ રજૂ કરે તેવી ધારણા છે. જાપાન રવાના થતાં પહેલા એક નિવેદનમાં મોદીએ જણાવ્યું હતું કે આ સમીટથી નેતાઓને ક્વાડની વિવિધ પહેલની સમીક્ષા કરવાનો તથા ઇન્ડો-પેસિફિક રિજનમાં વિકાસ માટે વિચારોનું આદાનપ્રદાન કરવાની તક મળશે.

ચાર દેશોનું આ ગ્રૂપ ઊભરતી ટેકનોલોજી, સપ્લાય ચેઇન સુરક્ષા, ક્લિન એનર્જી, કનેક્ટિવિટી, ડિજિટલ ટ્રેડ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવા ક્ષેત્રમાં સહકારને મજબૂત બનાવે તેવી ધારણા છે.

અમેરિકાના પ્રેસિડન્ટ જો બાઇડન ઇન્ડો-પેસિફિક રિજનમાં વોંશિગ્ટનની મજબૂત પ્રતિબદ્ધતા વ્યક્ત કરે તેવી ધારણા છે. તેઓ સહકારના માળખાને વધુ વેગવંતુ બનાવવાની પણ હાકલ કરી શકે છે. બાઇડને સોમવારે મહત્ત્વકાંક્ષી ઇન્ડો પેસિફિક ઇકોનોમિક ફ્રેમવર્ક ફોર પ્રોસ્પેરિટી (આઇપીઇએફ)ની શરૂઆત કરી હતી.