પૂજા ભટ્ટ અને મહેશ ભટ્ટ (Photo by RIZWAN TABASSUM/AFP via Getty Images)

પૂજા ભટ્ટે ખાતરી અપાવી છે કે તે તેની ફિલ્મોમાં પશુઓનો ઉપયોગ નહીં કરે તેથી પીપલ ફોર ધ એથિકલ ટ્રીટમેન્ટ ઓફ એનિમલ્સ (PETA) દ્વારા તેનું સન્માન કરવામાં આવ્યું છે. આ નિર્ણય લેનાર પૂજા ભટ્ટ ભારતની પ્રથમ દિગ્દર્શક બની ગઈ છે. તેના આ નિર્ણયની પ્રશંસા કરતાં સંસ્થાએ તેને લેટર લખ્યો છે. એ લેટરને પૂજાએ ટ્વિટર પર પોસ્ટ કર્યો હતો. એ પત્રમાં લખ્યું છે કે ‘ડિયર મિસ ભટ્ટ. ફિશ આઇ નેટવર્ક તરફથી અમને એ વાતની અતિશય ખુશી થઈ છે કે તું દેશની પ્રથમ એવી ડાયરેક્ટર બની ગઈ છે જેણે પોતાની ફિલ્મોમાં પશુઓનો ઉપયોગ ન કરવાનો નિર્ણય લીધો છે.

તારો આ સંકલ્પ વિશ્વના અનેક ફિલ્મમેકર્સને પ્રેરણા આપશે અને એથી પશુઓને તકલીફ અને પીડામાંથી બચાવી શકાશે. પશુઓ પ્રત્યે દયા દર્શાવવા બદલ પીટા ઇન્ડિયાના કમ્પેશનેટ ફિલ્મ પ્રોડક્શન કંપની એવોર્ડથી તને નવાજવામાં આવે છે. અભિનંદન.’

આ લેટરને ટ્વિટર પર પોસ્ટ કરીને પૂજાએ ટ્વીટ કર્યું હતું, ‘પીટા ઇન્ડિયા તમે આપેલા સન્માનની હું આભારી છું. આ પહેલની શરૂઆત કરતાં અને મારી ફિલ્મો કે કન્ટેન્ટમાં પશુઓનો ઉપયોગ ન કરવાનો હું સંકલ્પ લઉં છું. જો મારી કોઈ ફિલ્મ કે શોમાં પશુઓની હાજરીની જરૂર પડી તો હું કમ્પ્યુટર ગ્રાફિક્સનો ઉપયોગ કરીશ. હું અન્ય ફિલ્મમેકર્સને પણ આ અભિયાનમાં જોડાવાની વિનંતી કરું છું.’