મેઘાલયના મૌનસિનરામમાં શુક્રવારે 24 કલાકમાં 40 ઈંચ અને ચેરાપુંજીમાં 24 કલાકમાં 39 ઈંચ વરસાદ ખાબકતા જનજીવન ગંભીર રીતે ખોરવાયું હતું. ચેરાપુંજીમાં એક દિવસમાં 122 વર્ષમાં ત્રીજા ક્રમે સૌથી વધુ વરસાદ નોંધાયો છે. શુક્રવારે સવારે 8.30 વાગ્યે પૂરા થતાં 24 કલાકમાં ચેરાપુંજીમાં 972મીમી (38.88 ઇંચ) વરસાદ ખાબક્યો હતો, જે 1995 પછીથી જૂન મહિનાનો સૌથી વધુ વરસાદ છે અને 122 વર્ષનો ત્રીજા ક્રમનો સૌથી વધુ વરસાદ છે, એમ હવામાન વિભાગે જણાવ્યું હતું. વિશ્વના સૌથી વધુ વરસાદ પડતા સ્થળોમાં સમાવેશ થતાં ચેરાપુંજીમાં 1901 પછી હવામાન વિભાગે ડેટા રાખવાનું શરૂ કર્યું તે પછીથી જૂન મહિનામાં એક દિવસમાં 800મીમીથી વધુ વરસાદ બન્યો હોય તેવું નવ વખત બન્યું છે. આ મહિને શુક્રવાર સુધીમાં ચેરાપુંજીમાં કુલ 4,081.3મીમી વરસાદ નોંધાયો છે, એમ ગુવાહાટીના હવામાન વિભાગે જણાવ્યું હતું. બુધવાર સવારે 8.30 વાગ્યે પૂરા થતાં છેલ્લાં 24 કલાકમાં ઇસ્ટ ખાસી હિલ્સમાં આવેલા આ શહેરમાં 811.2મીમી વરસાદ વરસ્યો હતો. 16 જૂન 1995ના રોજ 1,563.3 મીમી વરસાદ પડ્યો હતો. તેના એક દિવસ પહેલા એટલે કે 15 જૂન 1999ના રોજ 930મીમી વરસાદ પડ્યો હતો. આ હિલ સ્ટેશનમાં 5 જૂન 1956ના રોજ 973.8મીમી વરસાદ નોંધાયો હતો.