ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવા કર્ણાટકના મૈસૂર પેલેસ ગ્રાઉન્ડમાં આશરે 15,000 લોકો સાથે યોગાસન કર્યા હતા.(PTI Photo/Shailendra Bhojak)

ભારત સહિત સમગ્ર વિશ્વમાં મંગળવાર, 21 જૂને 8મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીનો પ્રારંભ થયો છે. સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા આ વર્ષે માનવતા માટે યોગ એવી થીમ રાખવામાં આવી છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવા કર્ણાટકના મૈસૂર પેલેસ ગ્રાઉન્ડમાં આશરે 15,000 લોકો સાથે યોગાસન કર્યા હતા.

આ પ્રસંગે મોદીએ જણાવ્યું હતું કે યોગ હવે વૈશ્વિક તહેવાર બની ગયો છે. એ ફક્ત જીવનનો એક ભાગ નથી, જીવનનો એક માર્ગ બની ગયો છે.આજે યોગ માનવજાતને સ્વસ્થ જીવનનો વિશ્વાસ આપી રહ્યો છે. આજે સવારથી આપણે જોઈ રહ્યા છીએ કે થોડાં વર્ષો પહેલાં આધ્યાત્મિક કેન્દ્રોમાં યોગની જે તસવીરો જોવા મળતી હતી એ હવે દુનિયાના ખૂણે ખૂણે દેખાઈ રહી છે.

મોદીએ વધુમાં જણાવ્યું હતું કે ‘યોગને વિશ્વમાં લઈ જવા માટે હું સંયુક્ત રાષ્ટ્રનો આભાર માનું છું. આપણા ઋષિ-મુનિઓએ યોગ માટે કહ્યું છે કે યોગ આપણને શાંતિ આપે છે. એ આપણા દેશ અને વિશ્વમાં શાંતિ લાવે છે. મોદીએ જણાવ્યું હતું કે ‘દેશ આઝાદીની 75મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યો છે. આવી સ્થિતિમાં દેશનાં 75 ઐતિહાસિક કેન્દ્રો પર એકસાથે યોગ કરવામાં આવી રહ્યો છે. વિશ્વના વિવિધ દેશોમાં લોકો સૂર્યોદય સાથે યોગ કરી રહ્યા છે. જેમ જેમ સૂર્ય ઉગી રહ્યો તેમ તેમ એના પ્રથમ કિરણ સાથે વિવિધ દેશોના લોકો એકસાથે જોડાઈ રહ્યા છે. આ યોગની ગાર્ડિયન રિંગ છે. યોગ દિવસની શરૂઆત થતાં જ લદાખથી લઈને છત્તીસગઢ અને આસામના ગુવાહાટીથી લઈને સિક્કિમ સુધી ITBPના જવાનોએ યોગ કર્યા હતા. સૈનિકોએ સૂર્યનમસ્કાર કરીને યોગ દિવસની ઉજવણી કરી હતી.

કેન્દ્રીય પ્રધાન દેશના વિવિધ ઐતિહાસિક અને સાંસ્કૃતિક ૭૫ સ્થળોએ યોગાસનો કર્યા હતા.  ભારતીય જનતા પાર્ટીએ દેશના અલગ અલગ શહેરોમાં ૭૫ હજાર સ્થળોએ યોગાસના કાર્યક્રમોનું આયોજન કર્યું હતું. દેશમાં આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવાઈ રહ્યો હોવાથી ૭૫ હજાર સ્થળોને પસંદ કરાયા હતા. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા નોઈડાના યોગ સત્રમાં જોડાયા હતા.

ગૃહપ્રધાન અમિત શાહ નાસિકના પવિત્ર જ્યોતિર્લિંગ ત્ર્યમ્બકેશ્વર મંદિરના કાર્યક્રમમાં જોડાયા  હતા. કેન્દ્રીય પ્રધાન ભૂપેન્દ્ર યાદવે અયોધ્યામાં, ધર્મેન્દ્ર પ્રધાને હિમાચલ પ્રદેશમાં આવેલા કાંગડાના કિલ્લામાં યોગાસનો કર્યા હતા.

આગરાના તાજમહેલ સહિતના યુપીના કેટલાય સ્થળોએ યોગ દિવસ નિમિત્તે નિ:શુલ્ક પ્રવેશ આપવામાં આવ્યો હતો. ફતેહપુર સિકરી, આગરાનો કિલ્લો, પંચ મહેલ જેવા સ્થળોએ જવા માટે એન્ટ્રી ફી માફ કરવામાં આવી હતા. ઉત્તર પ્રદેશના બધા જ મદરેસામાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. મદરેસા બોર્ડના રજિસ્ટારે નોટિફિકેશન જારી કર્યું હતું.