નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવન

સ્વ. અટલ બિહારી વાજપેયીની અગાઉની ભાજપની મોરચા સરકારમાં કેન્દ્રીય પ્રધાન રહી ચૂકેલા અને ગયા વર્ષે જ મમતા બેનરજીની તૃણમૂલ કોંગ્રેસમાં જોડાયેલા યશવંત સિંહા ભારતના રાષ્ટ્રપતિની ચૂંટણીમાં વિરોધ પક્ષોના સંયુક્ત ઉમેદવાર રહેશે. મંગળવારે જ યોજાએલી જુદા જુદા વિરોધ પક્ષોની બેઠકમાં કોંગ્રેસના નેતા જયરામ રમેશે આ જાહેરાત કરી હતી.

આ જાહેરાત કરાયાની થોડીવાર પહેલા યશવંત સિંહાએ એવા સંકેત આપ્યા હતા કે, કેટલાક વિપક્ષી નેતાઓએ પોતાને સંયુક્ત વિપક્ષી ઉમેદવાર બનાવવાની દરખાસ્ત કરી હતી તે તેમણે સ્વિકારી લીધી હતી.

તૃણમૂલ કોંગ્રેસે યશવંત સિંહાના નામની દરખાસ્ત કરી હતી, તો કોંગ્રેસ અને ડાબેરી પક્ષોએ એવો આગ્રહ કર્યો હતો કે, ભાજપના આ ભૂતપૂર્વ નેતાએ પહેલા ટીએમસીના પક્ષના હોદ્દા ઉપરથી રાજીનામું આપવું જોઈએ, એ પછી તેવો સર્વસ્વિકૃત ઉમેદવાર બની શકે. યશવંત સિંહાએ 2018માં ભાજપમાંથી રાજીનામુ આપ્યું હતું અને પછી હજી ગયા વર્ષે જ તૃણમૂલ કોંગ્રેસમાં જોડાયા હતા. મમતા બેનરજીએ તેમને પક્ષના ઉપ-પ્રમુખ બનાવ્યા હતા.

યશવંત સિંહા પહેલા એનસીપીના શરદ પવાર, નેશનલ કોન્ફરન્સના અધ્યક્ષ ડો. ફારૂક અબ્દુલ્લા અને પશ્ચિમ બંગાળના ભૂતપૂર્વ રાજ્યપાલ ગોપાલ કૃષ્ણ ગાંધીના નામની પણ ચર્ચા થઈ હતી, પણ એ ત્રણેયે ઉમેદવારી કરવાનો ઈનકાર કર્યો હતો.

મંગળવારે સવારે વિરોધ પક્ષના નેતાઓ એનસીપીના શરદ પવારના નિવાસે સંયુક્ત ઉમેદવારના નામની ચર્ચા કરવા મળ્યા હતા, તેમાં આ નિર્ણય લેવાયો હતો.