કેનેડાના મુંબઇસ્થિત કોન્સ્યુલ જનરલ દિદ્રાહ કેલીએ તાજેતરમાં ગાંધીનગરમાં મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાત લીધી હતી. કેનેડા-ભારત અને ગુજરાત વચ્ચેના પરસ્પર સંબંધો અને ખાસ કરીને શિક્ષણ, ઔદ્યોગિક રોકાણો તેમજ ગ્રીન એન્વાયરમેન્ટ, કલીનટેક જેવા વિષયોમાં સહભાગીતાની તકો વિશે આ બેઠકમાં ફળદાયી પરામર્શ તેમણે કર્યો હતો. કોન્સ્યુલ જનરલ કેલીએ જણાવ્યું કે કેનેડાએ ઓટોમોટિવ, કલીન ટેક-રિન્યુએબલ એનર્જી, શિક્ષણ, ઇન્ફ્રાસ્ટ્રકચર, લાઇફ સાયન્સીસ જેવા સેક્ટર્સમાં બહુવિધ તકો પર ધ્યાન કેન્દ્રીત કરીને અમદાવાદમાં એક ટ્રેડ કમિશનર સર્વિસ ઓફિસ શરૂ કરી છે તેને રાજ્ય સરકાર દ્વારા મળી રહેલા સહયોગની તેમણે પ્રસંશા કરી હતી. ગુજરાતના લાખો વિદ્યાર્થીઓ કેનેડામાં અભ્યાસ માટે જાય છે તેનો પણ તેમણે વિશેષ ઉલ્લેખ આ મુલાકાત બેઠક દરમિયાન કર્યો હતો. ભૂપેન્દ્ર પટેલે આ તકે જણાવ્યું કે, ભારતના ફાયનાન્સિયલ અને ટેક્નોલોજી ગેટ-વે અને વિશ્વકક્ષાની માળખાકીય સુવિધા ધરાવતાં ગિફટ સિટીમાં કેનેડાની ફાયનાન્સિયલ સંસ્થાઓ, ફિનટેક કંપનીઓ અને કેનેડીયન પેન્શન ફંડ માટે વિશાળ તકો રહેલી છે. તેમણે કેનેડાની આ ક્ષેત્રની સંસ્થાઓને ગિફટ સિટીમાં રોકાણો માટે આવવા આમંત્રણ પણ પાઠવ્યું હતું. કેનેડાના ઉદ્યોગોની વેસ્ટ વોટર મેનેજમેન્ટ ટેક્નોલોજી અને સ્લમ એરિયામાં રિસાયકલ્ડ વોટરના પ્રોજેક્ટ વિશેની જાણકારી પણ કેનેડાના કોન્સ્યુલ જનરલે આ બેઠકમાં આપી હતી.