ભારત અને ચીન વચ્ચે કોરોના મહામારીથી બંધ થયેલી સીધી ફ્લાઇટ સર્વિસ ફરીથી શરૂ કરવા બંને દેશો વચ્ચે ચર્ચા થઇ છે. ચીનમાં સરકાર દ્વારા કોરોના પ્રતિબંધને કારણે બે વર્ષથી ઘેર બેઠેલા ભારતના હજારો વિદ્યાર્થીઓના મુદ્દે ચર્ચા થઇ છે, એમ ઇન્ડિયન એમ્બેસીએ જણાવ્યું હતું. ભારતીય વિદ્યાર્થીઓને અભ્યાસ માટે ફરી ચીન મોકલવાના મુદ્દે ચીન ખાતેના ઇન્ડિયન એમ્બેસેડર પ્રદીપકુમાર રાવત અને ચીનના વિદેશ પ્રધાન વાંગ યી વચ્ચે તાજેતરમાં મંત્રણા થઈ હતી. વાંગે જણાવ્યું હતું કે ભારતીય વિદ્યાર્થીઓના પરત આવવા અંગે ભારતની ચિંતાને ચીન મહત્ત્વપૂર્ણ માને છે અને આ મુદ્દે વહેલી પ્રગતિ થાય તેવી આશા રાખે છે. વાંગે બંને દેશો વચ્ચે સીધી ફ્લાઇટ ફરીથી શરૂ કરવાની વાતનો પણ ઉલ્લેખ કર્યો હતો.
તાજેતરમાં ચીને કેટલાંક વિદેશી વિદ્યાર્થીઓને પરત આવવાની મંજૂરી આપવાનું શરૂ કર્યું છે. ચીનના વિઝા નિયંત્રણોને કારણે પાકિસ્તાનના 90 વિદ્યાર્થીઓની પ્રથમ બેચ ચીનના શહેરમાં આવી હતી. ચીનની કોલેજોમાં ભારતના આશરે 23,000 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. મોટાભાગના મેડિકલ કોર્સમાં છે, જેમાંથી અંદાજે 12,000 વિદ્યાર્થીઓએ અભ્યાસ માટે ફરી ચીન જવાની ઇચ્છા વ્યક્ત કરી છે અને તેમની વિગતો ચીનની સરકારને મોકલવામાં આવી છે. ચીને હજુ વિદ્યાર્થીઓને પરત બોલાવવાના નિયમો નક્કી કર્યા નથી.
બ્રિક્સ દેશોના સંમેલન પહેલા પ્રદીપ કુમાર રાવતે ચીનના વિદેશ પ્રધાન વાંગ યી સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં રાવતે સરહદી વિસ્તારોમાં શાંતિ અને સ્થિરતાની જાળવણી પર ભાર મૂક્યો હતો, જેથી એશિયા અને વિશ્વ માટે ભારત-ચીનના સંબંધોના મહત્ત્વ અંગે બંને દેશોના ટોચના નેતાઓએ સાધેલી સર્વસંમતીના સંપૂર્ણ લાભ લઈ શકાય.